અમદાવાદઃ શહેરમાં અવાર નવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ફોનની ચોરીના કિસ્સા વધી ગયા છે. તેવામાં પોલીસે પશ્ચિમ અમદાવાદમાંથી લોકોના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ જતી આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે આ ગેંગે કોંગ્રેસના ડ્રગ્સ વિરોધી કાર્યક્રમમાં એક કાર્યકર્તાનો લાખો રૂપિયાનો ફોન પણ ચોરી કરી લેતા જોવાજેવી થઈ હતી. એટલુ જ નહીં આ ગેંગ જે વેપારીને ફોન આપતી અને ત્યાંથી એનું રિસેલ થતું એ આખી સાઈકલનો પર્દાફાશ કરાયો છે. નોંધનીય છે કે પાંચ મહિનામાં જ આ ગેંગ દ્વારા લાખો રૂપિયાના ફોનની ચોરી કરાઈ છે.
ADVERTISEMENT
મોબાઈલ સ્નેચર્સનો પર્દાફાશ
સેટેલાઈટ, આનંદનગર સહિતના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. આમાં રિક્ષાચાલક અને તેની સાથે કેટલાક શખસો લોકોના ફોન ચોરી ફરાર થઈ જતા હતા. આ આખા ગેંગનો પર્દાફાશ ઝોન-7 ડિસીપી બીયુ જાડેજાની ટીમે કર્યો છે. આના આધારે પોલીસે રિક્ષાચાલક મોહમ્મદ સલીમ શેખ સહિતના આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વેપારીઓ સાથે મળી રિસેલનું કૌભાંડ
આ ગેંગ વેપારીઓ સાથે મળીને ચોરી કરેલા ફોન ફરીથી વેચવાનું કૌભાંડ કરતી હતી. જેમાં કોંગ્રેસના ડ્રગ્સ વિરોધી કાર્યક્રમના એક કાર્યકર્તાનો 1.18 લાખ રૂપિયાનો ચોરી થયેલો ફોન પણ આ ગેંગ પાસેથી મળ્યો હતો. આ ગેંગનો એક મુખ્ય આરોપી હજુ સુધી ફરાર છે. તે જાહેરસભાથી લઈ સરઘસ રેલીમાં ફોન ચોરી કરતો હતો.
ADVERTISEMENT