વડોદરા: વડોદરામાં સાત ટર્મ ચૂંટાતા આવતા સુધી ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરામાં યોજાયેલા એક અભિવાદન કાર્યક્રમમાં પાંચેય ધારાસભ્યોને એક થવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે પોતાના વિસ્તારના વિકાસ કાર્યો માટે વિધાનસભામાં સરકાર સામે જ ખુલીને બોલવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
યોગેશ પટેલે ધારાસભ્યોને શું શીખામણ આપી
યોગેશ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરીને પોતાના કામો કઢાવી જાય છે. જ્યારે આપણા મધ્ય ગુજરાતના ધારાસભ્યો એવું સમજે છે કે સરકાર સામે અવાજ ઉઠાવીશું તો ટિકિટ કપાઈ જશે. તમારી સામે હું ઊભો છું. મેં સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમ છતાં ય ટિકિટ મળી છે. આમ તેમણે વડોદરાથી મંત્રીમંડળમાં એકપણ ધારાસભ્યને સ્થાન ન મળવાની વાતનો બળાપો ઠાલવ્યો હોય તેમ લાગી રહ્યું હતું અને ચૂંટાયેલી પાંખ તથા સંગઠન વચ્ચેના ગજગ્રાહને ખુલ્લો પાડ્યો હતો.
તમામ MLAને સાથે રહેવા સૂચન કર્યું
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તો ઓપનિંગમાં જાય એટલે બેટિંગ કરી જ લેશે, પરંતુ સયાજીગંજના કેયુર રોકડિયાએ આ માટે સાથે રહેવું પડશે. અકોટાના ચૈતન્ય દેસાઈ અને શહેરના ધારાસભ્ય મનીષા વકીલ તો એમની સાથે રહેવાના જ છે. આમ તેમણે બધા ધારાસભ્યોને એકજૂટ થઈને પોતાના વિસ્તારમાં કામો કરાવવા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવવા માટે અપીલ કરી હતી.
ADVERTISEMENT