વડોદરા: બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, સગાવાદ તથા ગેરવહીવટના આક્ષેપોના વિરોધમાં આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંમેલન યોજ્યું હતું. જેમાં સાવલી, ડેસર તથા અન્ય જિલ્લાઓમાંથી પશુપાલકોએ પણ ભાગ લીધો હતો. વરણામાં આવેલા ત્રિમંદીર ખાતે યોજાયેલા આ સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહાર કર્યા હતા અને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
ધારાસભ્યએ ડેરીમાં અણઘટ વહીવટથી નુકસાનનો દાવો કર્યો
આજે મીડિયાના સંબોધતા ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવ છે. ડેરીનું નિર્માણ જે હેતુથી કરવામાં આવ્યું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અણઘટ નીતિના કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારો અવાજ દબાવી શકશે નહીં હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. સાથી ધારાસભ્યો પણ મારી સાથે છે.
સોમવારે ધરણાની ચીમકી ઉચ્ચારી
આ સાથે જ તેમણે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સોમવારે બપોરે 12 વાગ્યાથી ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, ગત મહિને જ કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, બરોડા ડેરાના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી સોલંકીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. કુલદીપસિંહ રાઉલજીએ પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે. જ્યારે જી.બી સોલંકીએ સગા જમાઈને એડમિન વિભાગમાં નોકરી ઉપર રાખ્યા છે.
ADVERTISEMENT