ભરુચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે જ દિલ્હીમાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 182 નામો પર મંથન થયું હતું, જે બાદ મોડી રાત્રે જ નેતાઓને ફોન રણક્યા હતા અને તેમને ફોન ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લામાં પાંચેય સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. જ્યારે મોટા સમાચાર એ છે કે દુષ્યંત પટેલનું પત્તું કપાયું છે.
ADVERTISEMENT
ભરૂચમાંથી કોને-કોને ફોન આવ્યા
ભરુચ જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાંથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરમાંથી ઈશ્વર પટેલ, જંબુસરમાંથી ડી.કે સ્વામી, વાગરામાંથી અરુણસિંહ રાણા તથા ઝઘડિયામાંથી રિતેશ વસાવાને ટિકિટ અપાઈ શકે છે. આ તમામ નેતાઓને મોડી રાત્રે ફોન આવ્યા હતા અને ફોર્મ ભરવા માટે કહેવાયું હતું. જોકે આ પાંચ નામ સામે આવતા જ દુષ્યંત પટેલનું પત્તું આ વખતની ચૂંટણીમાં કપાઈ ગયું છે.
દુષ્યંત પટેલનું પત્તું કપાયું
દુષ્યંત પટેલ ભરૂચથી ભાજપના ધારાસભ્ય છે અને તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે અને દક્ષિણ ગુજરાતમાં તેઓ ભાજપના કદાવર નેતા ગણાય છે.ગત વર્ષે જ સંપૂર્ણ રૂપાણી સરકારના મંત્રીમંડળની બદલી કરાઈ ત્યારે દુષ્યંત પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી ચર્ચાઓ ઉઠી હતી.
ભાજપમાંથી આખરી 182 નામો પર મહોર મારવામાં આવશે
નોંધનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ઓક્ટોબર મહિનામાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો જિલ્લાવાઈઝ ફરીને દાવેદારી નોંધાવવા ઈચ્છુકોના બાયોડેટા લઈને સેન્સ હાથ ધરી હતી. ગુજરાતની 182 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાજપમાંથી 4000થી પણ વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેના પર ચર્ચાઓ બાદ કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપની આ યાદીમાં કોઈ જૂના ધારાસભ્યો કે પછી સિનિયર નેતાઓની ટિકિટ કપાય છે કે કેમ.
(વિથ ઈનપુુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT