ધનેશ પરમાર/બનાસકાંઠા: જિલ્લાના મુખ્યાલય પાલનપુર તાલુકા પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી કોંગ્રેસ સત્તા પર છે. જયારે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગીતાબેન એમ ડાકા સત્તા સ્થાને આવ્યા હતા. જોકે તેઓની વિરુદ્ધમાં વિરોધ પક્ષના તાલુકા પંચાયત સભ્ય જયેશકુમાર નાનજીભાઈ ચૌધરીએ ગુજરાત પંચાયત ધારાની કલમ 71(1) હેઠળ જિલ્લા પંચાયતમાં વિવાદિત અરજી કરી હતી. જેમાં આક્ષેપ હતો કે પ્રમુખે તેમના કાર્યકાળ દરમિયાન સરકારી મિલકત એવી જીપ નંબર GJ08g-1311 સરકારી વાહનનો નાણાકીય લાભ માટે દુરૂપયોગ કર્યો છે. આ જીપ હતી. જે બંધ હાલતમાં હોઈ ઉપયોગ લાયક પણ નહતી છતાં પ્રમુખે તેની લોગબુક ખોટી નિભાવી છે અને બીલો પણ ખોટા રજૂ કરી નાણાકીય ફાયદો મેળવ્યો છે. જોકે આ અરજીને જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીરતાથી લઇ તેની ટ્રાયલ શરૂ કરી હતી અને આક્ષેપો સામે બચાવ પક્ષના પુરાવાઓનું પૃથ્થકરણ અને વિશ્લેષણ કર્યું હતું.
ADVERTISEMENT
DDO ડો.સ્વપ્નિલ ખેરની CBI સ્ટાઈલનું ઉંડાણપૂર્વકનું ન્યાયિક ઇન્વેસ્ટિગેશન…
જિલ્લામાં ટૂંકાગાળામાં પોતાની નિષ્પક્ષ ન્યાયિક કાર્યવાહી માટે જાણીતા જિલ્લા વિકાસ અધિકારી ડો.સ્વપ્નિલ ખેરે આ કેસની ટ્રાયલમાં નિવેદનો અને મૌખિક પુરાવાઓ કરતાં દસ્તાવેજી પુરાવાઓનું બારીકાઇથી મૂલ્યાંકન કર્યું હતું. જેમાં તેઓએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનમાં હેડ મેકેનિકલનો તપાસ રિપોર્ટ મુખ્ય પુરાવારૂપ જોવાયો હતો. જેમાં બચાવ પક્ષના અને કોંગ્રેસના પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન એમ ડાકાનું બચાવનામું લોગબુક, ડીઝલ બિલ રસીદ અને હેડ મેકેનિકલના તપાસ રિપોર્ટથી વિપરીત હતું. જેમાં ગેરરીતિ થઇ હોવાના સમર્થનમાં અનેક પુરાવાઓ મળ્યા હતા..
તપાસમાં શું મળ્યા અવનવા પુરાવા…?
પ્રમુખે મુસાફરી ભથ્થા ખર્ચ મર્યાદા 40,000 હોવા છતાં વર્ષ 2020-21માં કુલ 67211 ખર્ચ કરેલો, જીપ એવરેજ અંદાજિત 11 પ્રતિકિલોમીટરની જગ્યાએ માત્ર 6 થી 7 કિલોમીટર પ્રતિ લીટર બતાવેલી હતી. વીમા વગર વાહનનો ઉપયોગ કરેલો તેમજ જીપની ટાંકીની ક્ષમતા 50 લીટર હોવા છતાં ખોટું રેકર્ડ નિભાવી જીપની ડીઝલ ટાંકીની ક્ષમતા 60 થી 70, લીટર બતાવી ખોટો ખર્ચ કરી સરકારના નિધિ ફંડને નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ પુરાવો તપાસ દરમિયાન મળ્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખે કર્યો લૂલો બચાવ…
વાહન વીમા જવાબદારી ટીડીઓની હતી. આ માર્શલ જીપ મોડલ 2005 હતું. જે હાઇવે પર વધુ એવરેજ જયારે સીટીમાં વારંવાર ગિયર બદલતા ઓછી એવરેજ આપતી હતી. લોગબુક યોગ્ય નિભાવાઈ છે, વાહન ઉપયોગમાં લેવાયેલી છે. આ અરજી દ્વેષભાવનાએ રાજકીય પ્રતિશોધ માટે કરાઈ છે. તેવો બચાવ ટ્રાયલ દરમિયાન પાલનપુર તાલુકા પ્રમુખે કર્યો હતો.
કોંગ્રેસ તાલુકા પ્રમુખે ટ્રાયલમાં હાઇકોર્ટના જુના અન્ય ચુકાદાને રજુ કર્યા..
વર્ષો અગાઉ આવાજ એક અન્ય કેશમાં ભાવનગર તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મોનમ ખધારે ગારિયાધાર તાલુકા પંચાયત પ્રમુખને ગેરલાયક ઠેરવતા વિકાસ કમિશ્નરે પણ તે ગ્રાહ્ય રાખ્યો હતો જોકે ચુકાદાને હાઇકોર્ટે ખોટો ઠેરવ્યો હતો. જેમાં કોર્ટે આ કેસમાં રાજકીય દબાણ લાવનારા ધારાસભ્ય અને સાંસદને સક્ષમ સત્તાધિકારીના કામમાં દબાણ લાવવાના પ્રયાસમાં ચેતવણી આપી કેસનો ખર્ચ રૂપિયા 10,000/ હાઇકોર્ટમાં અપીલમાં જનારાને આપવા હુકમ કર્યો હતો. આ કેસ વી એલ રોય વિરુદ્ધ મોના ખધાર 2005(3)ગુ.લો.હે 64માં અંકિત છે.
ટ્રાયલ અંતે DDO સ્વપ્નિલ ખેરનો નિર્ણય…
ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતાં ગુજરાત પંચાયત ધારા 71(1) હેઠળ સંગીતાંબેન એમ ડાકાને તેમના તાલુકા પંચાયત પાલનપુરના પ્રમુખ અને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે.
સરકારી રાજનેતાઓ અને રાજ્યસેવકો માટે લાલબત્તી સમાન ચુકાદો…
જો તમે સેવામાં સરકારનું વાહન વાપરો છો તો તેનો ખર્ચ, બિલ, લોગબુક નિયમિત અને યોગ્ય રીતે નિભાવજો અન્યથા વિવાદ થશે. ક્રોસ ચેકીંગમાં ટ્રાયલ ચાલશે તો તમારું વાહન ભલે નિર્જીવ હોય પણ તે તપાસમાં પુરાવો આપશે કે શુ સાચું છે અને શુ ખોટું…
ADVERTISEMENT