ગાંધીનગર: તાજેતરમાં જ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સચિવાલયમાં મંત્રીઓને મળવા માટે આવનારા મુલાકાતીઓને મોબાઈલ સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓ માટે પણ આ પ્રકારનો આકરો નિર્ણય લીધો છે. જેમાં કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવા સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને સાથે ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે.
ADVERTISEMENT
કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
રાજ્ય સરકારની દર બુધવારે કેબિનેટ બેઠક યોજાતી હોય છે. જેમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચાઓ કરાતી હોય છે. જેમાં મંત્રીઓ તથા સચિવો હાજર રહેતા હોય છે. ત્યારે ચાલુ બેઠકમાં મંત્રીઓ મોબાઈલનો ઉપયોગ ન કરે અને ચર્ચામાં કોઈ વિધ્ન ન આવે તે માટે તમામના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ મામલે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આગામી કેબિનેટ બેઠકમાં જ આ નિયમનો અમલ શરૂ થઈ જશે. સાથે જ અધિકારીઓને પણ ફોન બહાર મૂકીને જ બેઠકમાં આવવા કહેવાયું છે.
અગાઉ મુલાકાતીઓને ફોન બહાર મૂકવા સૂચના અપાઈ હતી
ખાસ કરીને સોમવાર અને મંગળવારે લોકો મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ ફોન સાથે લઈને મંત્રીની ઓફિસમાં મળવા માટે જઈ શકતા હતા. પરંતુ હવે તેમને ફોન બહાર મૂકવા માટે કહેવાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં મંત્રી સાથેની મુલાકાત દરમિયાન કોઈ વાતચીતનું રેકોર્ડિંગ ન કરી લે કે ફોટો કે વીડિયો ન પાડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT