ભૂમિત જાની/અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં રોજે રોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે મુલાકાતીઓ આવતા હોય ત્યારે સૌથી મોટો સવાલ નગરમાં સ્વચ્છતા જાળવવાનો થતો હોય છે. નગરમાં 240 શૌચાલયો બનાવવામાં આવેલા છે, જેમાં કોઈપણ સમયે જાવ તો વિદેશના કોઈ મોલ જેવી સ્વચ્છતા જોવા મળે છે. ત્યારે પ્રમુખસ્વામી નગરમાં આ માટે માઈક્રો લેવલે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કોઈપણ ડસ્ટબિન ભરાય કે તરત જ ટ્રક ત્યાં પહોંચી જાય છે અને બધો કચરો ખાલી કરીને નવું ડસ્ટબિન મૂકાઈ જાય છે.
ADVERTISEMENT
સ્વચ્છતા માટે નગરમાં 2100 સ્વયંસેવકોની ટીમ
પ્રમુખસ્વામી નગરમાં માત્ર સ્વચ્છતા માટે જ 2100 સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવી છે. જે દર કલાકે સાફ-સફાઈના કામ કરે છે. ખાસ વાત તો એ છે કે આ સ્વચ્છતા ટીમમાં તમને IIT ગ્રેજ્યુએટ, CA તથા માસ્ટર્સ અને ડોક્ટર થયેલા સ્વયંસેવકો પણ શૌચાલયોમાં સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. માત્ર ગુજરાત કે અમદાવાદ જ નહીં દેશ અને વિદેશથી પણ કેટલાય સ્વયંસેવકો માત્ર સેવાના ભાવથી આવ્યા છે અને પ્રમુખસ્વામી નગરમાં સ્વચ્છતા જાળવવામાં ખૂબ જ મોટી સેવા આપી રહ્યા છે.
બે શિફ્ટમાં સ્વયંસેવકો સ્વચ્છતામાં જોડાય છે
પ્રમુખસ્વામી નગરમાં સેવા આપતા યોગેશભાઈએ જણાવ્યું કે, દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, તેને અનુલક્ષીને સ્વચ્છતા વિભાગમાં 2100થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. જેમાં 600 મહિલા સ્વયંસેવકો, 1300થી વધુ પુરુષ સ્વયંસેવકો અને બાળનગરીમાં 250થી વધુ બાળ કાર્યકરો સ્વચ્છતા વિભાગનું ધ્યાન રાખતા હોય છે. આખું મેનેજમેન્ટ માઈક્રો લેવલ પર કરવામાં આવ્યું છે. સ્વચ્છતા વિભાગમાં 18 જેટલા સબ વિભાગ આવેલા છે. દરેક સ્વયંસેવકને તેનો એક વિભાગ સોંપવામાં આવ્યો હોય છે. સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અને સાંજને 4થી રાતના 12 સુધી એમ બે શિફ્ટમાં સેવા કાર્ય થાય છે.
નગરમાં ડસ્ટબિન ફૂલ થતા જ એક ગાડી ત્યાં આવે અને કચરો લઈ જાય
આખા પ્રમુખસ્વામી નગરમાં કુલ 1700 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવેલા છે. યોગેશભાઈ કહે છે કે, દરેક ડસ્ટબિન ટેગ કરેલા હોય છે, કઈ જગ્યાએ ડસ્ટબિન ફુલ થયું છે, તેનો ટેગિંગ નંબર મોકલવામાં આવે એટલે સેન્ટ્રલ ઓફિસમાંથી આખી ટીમ એક ટ્રક લઈને ત્યાં પહોંચી જાય છે અને કચરો લઈને નવી ડસ્ટબિન ત્યાં મૂકી દે છે.
IIT ગોલ્ડ મેડાલિસ્ટ પણ સ્વચ્છતા ટીમમાં
પ્રમુખસ્વામી નગરમાં બનાવવામાં આવેલી સ્વચ્છતા ટીમમાં બે મહિલા ડોક્ટર, 77થી વધુ ગ્રેજ્યુએટ, 75 એન્જિનિયર છે, 5થી વધુ સ્વયંસેવકોએ માસ્ટર્સ કરેલું છે, તેમાં બે CA છે અને IIT ખડકપુરના ગોલ્ડ મેડાલિસ્ટ પણ સેવા આપી રહ્યા છે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા ખાસ આયોજન
સમગ્ર નગરમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. જેમ કે પ્રેમવતીમાં જમવામાંથી જે વેસ્ટ જાય છે, તેને રિસાઈકલ કરીને ખાતર બનાવવામાં આવે છે, જેનો ખેતીમાં ઉપયોગ થાય છે, 11 લાખથી વધુ છોડ વાવવામાં આવ્યા છે તેના ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકની બોટલનો ક્રશર મશીનમાં પ્લાસ્ટિકનો માવો બનાવાય છે અને આગળ જઈને બીજી પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા તેનો ઉપયોગ કરાતો હોય છે. તેનું આયોજન પણ અહીં સ્વયંસેવકો દ્વારા જ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT