ગુજરાતમાં ચૂંટણી પહેલાં ખાનગી સર્વે ટીમોના ધામા: ‘જેમ્સ બોન્ડ 007’ જેમ ડીપ સર્વેમાં જોડાઈ અનેક ટીમો

ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Elections) પહેલા વિવિધ ખાનગી સર્વે શરૂ થયા છે. મોટાભાગના સર્વે કામમાં ગુજરાતમાં ઉતરેલી વિવિધ ટીમોમાં હિન્દી ભાષી વ્યક્તિઓ છે.…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Elections) પહેલા વિવિધ ખાનગી સર્વે શરૂ થયા છે. મોટાભાગના સર્વે કામમાં ગુજરાતમાં ઉતરેલી વિવિધ ટીમોમાં હિન્દી ભાષી વ્યક્તિઓ છે. જે ગુજરાતની 182 સીટો પર વિધાનસભા લેખાજોખા, સિટીક વિધાયકની લેકપ્રિયતા અને વિરોધ તેમજ તેના શ્રેષ્ઠ વિકલ્પનું સંશોધન કરી રહ્યા છે. તેઓ દરેક જિલ્લામાં પોતાની ટીમમાં 20થી 25 સભ્યો રાખે છે. તમામને જે હોટલમાં રોકાયા હોય ત્યાં તેમને સાંજે અથવા સવારે તેમની સર્વે ટીમ હેડ લીડ કરે છે. તેમજ તેમને નવીન અપડેટ્સ સાથેનું એસાનઈમેન્ટ આપે છે. જે સાંજે તેઓએ અપડેટ્સ કરી પરત કરવાનું હોય છે. આ કામ તેમને ઈમાનદારી સાથે કરવાનું હોય છે. જેથી સર્વે સચોટ અને સહુથી નજીકનો હોય, જેનાથી જે તે એજન્સીના વિશ્વસનીયતા પણ નક્કી થતી હોય છે.

સર્વેમાં આ કહેવાતા જેમ્સ બોન્ડ કોની- કોની પૂછપરછ કરે છે?
આ સર્વે ટીમનો સભ્ય ટાર્ગેટ મુજબના શહેરોમાં પહોંચે છે. જેમની પાસે સંસાધનમાં માત્ર એક બેગ, લેપટોપ, ડાયરી પેન અને ટેબ્લેટસ હોય છે જેનો તે મહતમ ઉપયોગ કરે છે. આ ટીમ મેમ્બર્સ શહેરના લારી, ટી-સ્ટોલ, ગલ્લાવાળા, ધોબી, સલૂન ચલાવનારા, અને ગૃહિણીઓને મળે છે, તો વળી તેઓ ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારોનો પણ સંપર્ક કરે છે, કેમકે પાંચ વર્ષ તે જ વિરોધ કરતો મુખ્ય માહિતી સ્ત્રોત હોઇ, તેને પણ આ ટીમ સભ્ય ખાસ મળે છે, અને ખણખોદ કરી, કામનું તથ્ય કઢાવવા મથામણ કરે છે. એટલુ જ નહીં આ જેમ્સ બોન્ડ બનેલ સભ્ય જે-તે બેઠકના ધારાસભ્ય અને સરકારની કામગીરી અંગે સવાલ-જવાબ કરે છે. ભાજપના ધારાસભ્યોની કામગીરી કેવી છે? શું જનતા ભાજપ અથવા કોંગ્રેસના ધારાસભ્યોની કામગીરીથી ખુશ છે? પ્રજાના મતે ધારાસભ્યને 1 થી 10 માંથી કેટલા માર્કસ મળવા જોઇએ? નો આ જવાબો પણ તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા, ભેગા કરી સાચવે છે.

જે બાદ આ માહિતી તેમના બોસને ડેટા સ્વરૂપ મોકલે છે. આ સર્વેના મુદ્દાઓ પર નજર કરીએ તો જે તે પક્ષ પોતાના ચાલુ ધારાસભ્યની જીતવાની શક્યતા કેટલી? તે પણ ચકાસે છે. તેમજ 2017ના પરિણામમાં કેટલા મતની લીડ? કેવા છે જ્ઞાતિના સમીકરણો અને ધારાસભ્યનું કામ? ગત ચૂંટણીમાં મતની કેટલી ખાધ પડી ? નેતૃત્વ પરિવર્તન બાદ કેટલી અસર થઇ? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને ધારાસભ્યને 1થી 10 માર્કનુ રેન્કિંગ કરાય છે. તો નવી આવેલ આમ આદમી પાર્ટી પણ ખાનગી સર્વે કરાવી રહી છે. જોકે સર્વે કરતી ટીમ સભ્યો પોતાની ઓળખ કરતાં તેઓ કોનાં ફાયદા માટે આ સર્વે કરે છે. તે કોઈ જાણીનાં લે તેની ખાસ કાળજી રાખે છે.

ભાજપ અને AAPનો સર્વે હોવાના મળ્યાં પ્રમાણ, કોંગ્રેસની સર્વે ટીમ હજુ દેખાઈ નથી: સૂત્ર
ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીઓમાં અત્યાર સુધીના છેલ્લાં 3 માસમાં અનેક સર્વે ટીમોના સભ્યો ગુજરાતમાં ખાનગી સર્વે કરતાં દેખાયા, પણ સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના હક્કમાં કોઈ સર્વે ટીમ કે વ્યક્તિ સર્વે કરતો હોવાનું હજુ બહાર આવ્યું નથી, જેથી માની સકાય કે કોંગ્રેસ પોતાના જિલ્લા પ્રમુખો, પ્રદેશ ટીમ, સોશિયલ મીડિયા ટીમ અને વર્તમાન ધારાસભ્યનાં ઇનપુટ પર આધાર રાખીને બેઠી છે. અથવા તેઓની સર્વે કામગીરી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી અથવા પસંદગી બાદ શરૂ થશે. જોકે તેમ હોય તો આ સર્વે મોડો ગણાશે.

ગ્રાઉન્ડ જીરો સર્વેમાં બુદ્ધિજીવી વર્ગનું ખાસ મહત્વ
આ ખાનગી સર્વેમાં ભાજપ અને આમ આદમીની ટીમો મોટાભાગે દિલ્હીની હિન્દી ભાષી ટીમ છે. જેઓને ગુજરાતી ભાષામાં ક્યાંક સમજવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેથી વધુ સટીક સર્વે કરવા આ ટીમ સભ્યો, ભાજપ, આમઆદમી, કોંગ્રેસ આગેવાનો, ધારાસભ્યો, ડોકટરો ,વકીલો, પીઢ પત્રકારની પણ મદદ લઈ રહ્યા છે અને દરેક સીટની વર્તમાન સ્થિતિની નજીક પહોંચવા પ્રયત્ન પણ કરી રહ્યા છે.

ખાનગી સર્વેમાં,મેટ્રોપોલિટન સિટી,શહેરોને વધુ મહત્વ,ગામડાઓ બાકાત
આ ખાનગી સર્વેમાં મેટ્રોપોલિટન સિટીઓ અને શહેરોને ખાસ અગ્રીમતા અપાઈ છે અને મોટાભાગનો સર્વે બુદ્ધજીવી લોકોના અંગત ઓપીનિયન પર આધારિત છે, કેમકે ગૂગલ લોકેશન આધારે સર્વેનો સ્પોટ નક્કી કરતી આ ટીમ ગામડાઓમાં નથી દેખાઈ અને તે રીતે આ કથિત સર્વેમાં નવાઈ વચ્ચે 40% ગ્રામીણ મતદારો નજરદાજ કરાય છે. આ ખાનગી સર્વે કંપનીઓ અહીં જ થાપ ખાઈ જાય છે કેમકે ગામડાઓમાં રહેતો મતદાર હારજીતનો મુખ્ય નિર્ણાયક હોય છે. અહીં 2017નાં પરિણામો જોઈએ તો એવી અનેક સીટો એવી હતી કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારની હારજીતનો તફાવત માત્ર બે થી પાંચ હજાર જેટલો જ રહ્યો હતો.

આ ખાનગી સર્વેની વિશ્વસનીયતા કેટલી?
જેવી રીતે હેવી વ્હિકલ ચલાવતા દૂર દૂરના રાજ્યોના વાહન ચાલકો લાંબી રોડ યાત્રા કરી, થાકીને લોથપોથ થઈ જાય, તેમ માઈલો દૂર પોતાના પરિવારજનોને છોડી સર્વે કરવા આવેલ આ કહેવાતા જેમ્સ બોન્ડ જેવા સર્વે ટીમ સભ્યોની હાલત ગુજરાતને જોવા અને ઓળખવામાં અને સર્વે કરવામાં થતી હોય છે. જ્યારે તેઓ કોઈ રાજનીતિક પાર્ટીના મુખ્ય સભ્ય અથવા નેતાને મળે છે ત્યારે આવા નેતાઓ સર્વેમાં છવાઈ જવા, પોતાના જ ટેકેદારોને પાછલે બારણે સર્વે ટીમ સભ્ય પાછળ લગાવે છે. અને તે રીતે આવા નેતાઓ પોતાની બોલબાલા થાય તે માટે સર્વે ટીમ સભ્યને ભ્રમિત કરે છે. તો વળી, તેઓ માટે ગુજરાત હિન્દી ભાષી રાજ્યોને છોડી અલગ ભાષા ધરાવતો બેલ્ટ હોય છે. ગુજરાતમાં હિન્દી બોલનાર અને સમજનાર વર્ગ ઓછો છે. જેથી સર્વેમાં આ ફેક્ટર ખાસ અસર કરે છે અને ‘બોલતાં ભી દિવાના અને સુનતા ભી દિવાના’ જેવો ઘાટ થાય છે. આ સર્વે ટીમ આ મુખ્ય ભાષા સમજણ ફેરમાં અટવાઈ જાય છે. જેથી જે હાથમાં લાગ્યું તે ભેગુ કરી, અનુમાન આધારિત ડેટાને શબ્દોમાં સજાવે છે. અને તેને સુશોભિત તર્ક-વિતર્ક ભાષામાં અપડેટ્સ કરી, હેડ ઓફિસ ટીમને ફોરવર્ડ કરે છે. જોકે હેડ ઓફિસ ટીમ પણ તેને નજીકનો શ્રેષ્ઠ સર્વે માની જે તે સર્વે કરાવતી પાર્ટીને તે પાઠવી દે છે. જેથી આ સર્વેની વિશ્વસનીયતા પર વખતો વખત સવાલો ઉઠ્યા છે.

    follow whatsapp