મહેસાણા: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની છ દિવસની મુલાકાતે છે. હિંમતનગરથી ઉપડેલી મનીષ સિસોદિયાની ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા આજે મહેસાણા પહોંચી છે. મહેસાણામાં આજે AAPની તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મનીષ સિસોદિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
મહેસાણામાં AAPની પરિવર્તન યાત્રા
મહેસાણામાં મનીષ સિસોદિયાએ કહ્યું, હું દિલ્હીથી તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે 27 વર્ષથી તમે ભાજપને મોકો આપીને જોઇ લીધું છે, હવે એકવાર કેજરીવાલજીને મોકો આપો. 27 વર્ષ સુધી તમે ભાજપને મોકો આપ્યો પણ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓ પર જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે તમે લોન પર જીવો. રોજગાર તો છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાનાં પેપર લીક કરી દો, જેનાથી બાળકો આત્મહત્યા કરી દે છે કે અથવા પોતાના ઘરે બેસી જાય છે. આ બધું તો આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા 27 વર્ષથી ચાલ્યું આવે છે, જો તમારે આ બધું બંધ કરાવવું હોય તો કેજરીવાલજીને એક મોકો આપીને જોઇલો.
ભાજપ પર કર્યા આકરા પ્રહાર
તેમણે વધુમાં કહ્યું, ગુજરાતની જનતા પણ કેજરીવાલજીને મોકો આપવા તૈયાર થઈને બેઠી છે, આ જોઈને ભાજપના લોકો બોખલાઈ ગયા છે, તેઓ જૂઠ પર જૂઠ બોલી રહ્યા છે, અને અલગ અલગર કાવતરા કરી રહ્યા છે. પરંતુ તમે તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવો, કેજરીવાલજીને એક વાર તક આપો. જેમ અમે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કરીશું.
6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ ખૂંદશે
નોંધનીય છે કે, 6 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા મનીષ સિસોદીયા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે. આ જિલ્લાઓની 15 વિધાનસભા બેઠકો પર તેમની યાત્રા નીકળશે. આ દરમિયાન તેઓ મતદારો સાથે સંપર્ક સાધી તેમને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT