કર્ણાટક: Apple કંપનીના મોબાઈલ iPhoneનો ક્રેઝ દુનિયાભરમાં છે. ઘણીવાર ઓ ફોન ખરીદવા સો.મીડિયા પર લોકો મજાકમાં તેમની કિડની વેચવાની વાતો પણ કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે iPhone માટે સંપૂર્ણ પ્લાનિંગ કરીને ડિલિવરી બોયની હત્યા કરી નાખી. બાદમાં ઉલટાનું રેલવે સ્ટેશન પાસે તેની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બાબતનો ખુલાસો કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
રેલવે સ્ટેશન પાસેથી પોલીસને યુવકની સળગેલી લાશ મળી હતી
iPhoneના ક્રેઝમાં હત્યા જેવા ઘાતકી અપરાધની આ ઘટના કર્ણાટકના હાસન જિલ્લાના અર્સિકેરે શહેરમાં બની હતી. ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપનાર આરોપીની ઉંમર માત્ર 20 વર્ષ છે અને મૃતક વ્યક્તિની ઉંમર 23 વર્ષ છે. 11 ફેબ્રુઆરીના રોજ, અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીક, કર્ણાટક પોલીસને એક સળગેલી લાશ મળી. આ રીતે રેલ્વે સ્ટેશન પાસે સળગેલી લાશ જોઈ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ તાત્કાલિક પોતાના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.
ફોનની ડિલિવરી કરીને યુવકે 46 હજાર માગ્યા હતા
ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તુરંત જ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. તપાસમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આર્સિકેરે શહેરના લક્ષ્મીપુરા લેઆઉટમાં રહેતા હેમંત દત્તાએ સેકન્ડ હેન્ડ iPhone ઓનલાઈન બુક કરાવ્યો હતો. ઈ-કાર્ટના ડિલિવરી બોય હેમંત નાઈકને આ બુકિંગ પહોંચાડવાની જવાબદારી મળી હતી. સમયસર હેમંત નાઈક લક્ષ્મીપુરા વિસ્તારમાં હેમંત દત્તાના ઘરે આઈફોનની ડિલિવરી કરવા પહોંચી ગયો હતો. ફોનની ડિલિવરી થતાં જ તેણે ફોન માટે 46,000 રૂપિયા ચૂકવવાનું કહ્યું અને દરવાજા પર રાહ જોવા લાગ્યો, પરંતુ હેમંત દત્તાએ તેને ઘરની અંદર બોલાવ્યો.
3 દિવસ સુધી લાશનો નિકાસ કરવા પ્લાન બનાવ્યો
નાઈક અંદર આવતાની સાથે જ દત્તાએ તેના પર છરી વડે હુમલો કર્યો અને હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે તેને સમજાતું ન હતું. તેથી જ તેણે મૃતદેહને 3 દિવસ સુધી તેના ઘરે રાખ્યો. ત્રણ દિવસ પછી તક મળતાં તેણે મૃતદેહને કંતાનમાં મૂકી સ્કૂટી પર નાખી સવારે 4.50 વાગ્યે તેના સંતાડવા માટે નીકળી ગયો. અહીંથી તેણે નાઈકના મૃતદેહને સીધો અંકકોપ્પલ રેલવે સ્ટેશન પાસેના નિર્જન વિસ્તારમાં લઈ ગયો. એક જગ્યા નક્કી કરીને તેણે મૃતદેહને તેની સ્કૂટીમાંથી કાઢ્યો અને પછી તેને આગ લગાવી દીધી.
સીસીટીવી કેમેરામાં આરોપી લાશ લઈ જતા દેખાયો
પોલીસ પૂછપરછમાં હેમંત દત્તાએ જણાવ્યું કે, તેની પાસે ડિલિવરી બોય હેમંત નાઈકને આપવા માટે 46 હજાર રૂપિયા નહોતા અને તેને આઈફોન પણ જોઈતો હતો. તેથી તેણે ડિલિવરી બોયને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. પોલીસે જણાવ્યું કે, જ્યારે તેમને રેલ્વે સ્ટેશન પાસે સળગેલી લાશ મળી, ત્યારે તેઓએ તે વિસ્તારના સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું, જેમાં આરોપી મૃતદેહને તેની સ્કૂટી પર લઈ જતો જોવા મળ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT