સુરતઃ માલધારીઓએ જ્યાં સુધી કાયદો પરત નહીં ખેંચાય ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આ દરમિયાન 21મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતમાં એકપણ ટીપુ દૂધ ન વેચાય એ અર્થે વિવિધ જિલ્લાઓમાં સ્વેચ્છાએ માલધારીઓ હડતાળ પાડી શકે છે. નોંધનીય છે કે આ દરમિયાન બુધવારે દૂધનું વેચાણ નહીં થાય એવી ધારણાએ સુરતમાં દૂધ લેવા માટે પડાપડી થઈ ગઈ છે. અત્યારે સુમુલ ડેરી પાસે લોકોએ લાંબી કતારો લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે જે લોકો દરરોજ એક કે બે થેલી દૂધ ખરીદતા હતા તેની સંખ્યા બમણી કરી દીધી છે.
ADVERTISEMENT
દૂધ વિક્રેતાઓની દુકાને લોકોનો ધસારો
સુરતમાં અત્યારે દૂધ લેવા માટે પડાપડી થઈ રહી છે. નોંધનીય છે કે માલધારીઓએ સરકાર સામે બાયો ચડાવી દીધી છે. તેમની માગણી છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. નોંધનીય છે કે દૂધ વિક્રેતાઓની દુકાને અત્યારે લોકોની મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો એકસાથે ચારથી પાંચ થેલી દૂધ ખરીદતા નજરે પડ્યા હતા.
સુરતમાં દૂધ લેવા પડાપડી થતા વડવાળા ધામના કનિરામ બાપુએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે માલધારી સમાજના લોકોને કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય એવું ન કરતા. આની સાથે લોકોએ કોઈપણ પ્લાન્ટમાં દૂધના ટેમ્પો કે ગાડીને ન રોકવા અંગે અપીલ કરવામાં આવી છે.
માલધારીઓ દ્વારા ખુબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું
માલધારીઓ દ્વારા ગુજરાત સ્તરે ભારે વિરોધ શરૂ થઇ ચુક્યો હતો. આ વિરોધ એટલા સ્તરે પહોંચ્યો કે અત્યારે તો ગાંધીનગરમાં માલધારીઓ દ્વારા વિશાળ શામીયાણો બાંધીને સરકારને ભીંસમાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગુજરાતના લાખો માલધારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. સરકારને હવે પોરાઠના પગલા ઉઠાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
સરકાર દ્વારા બિલ પરત ખેંચવા માટે આનુષાંગિક તૈયારીઓ અત્યારથી શરૂ કરાઇ
સરકારે આ પગલા ઉઠાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલ બિલ રાજ્યપાલ પાસે હોવાના કારણે વિધાનસભા સત્રમાં સરકાર બિલ પાછુ ખેંચી શકે તેમ નથી. તેવામાં રાજ્યપાલ પાસેથી બિલ પાછુ આવે તે જરૂરી છે. જે અંતર્ગત આજે રાજ્યપાલ દ્વારા બિલ પરત મોકલી દેવામાં આવ્યું છે. આ બિલ સરકારને પુન:વિચાર કરવા માટે મોકલી અપાયુ છે. જે અંતર્ગત હવે સરકાર દ્વારા આ બિલ પરત આવ્યા બાદ તેઓ બિલ પરત ખેંચી શકશે.
With Input- સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT