વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, જોકે બીજા તબક્કા માટે હજુ પ્રચાર ચાલી રહ્યો છે. વાઘોડિયામાં ટિકિટ ન મળતા ભાજપમાંથી બળવો કરી અપક્ષથી ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવ ફરીથી ચર્ચામાં આવ્યા છે. પોતાના દબંગ અંદાજ માટે જાણીતા અને બાહુબલી એવા મધુ શ્રીવાસ્તવની સભાનો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
અધિકારીઓને કેમ આપી ચીમકી?
વાઘોડિયામાં એક જનસભામાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું હજુ તમને કહું છું કે ચૂંટણી જીત્યા પછી જુઓ, પછી તો કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ એ બતાવીશ. મારી પ્રજાને નડ્યા હશે એ અધિકારીઓને પણ નહીં છોડું. એમને પણ કચ્છ-ભૂજ ન મોકલું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
નવા ઉમેદવાર પર ભાગલા પાડવાનો આક્ષેપ
સાથે જ તેમણે ડભોઈના ધારાસભ્ય વિશે પણ કહ્યું કે, તેઓ પહેલી વખત ચૂંટાયા હતા ત્યારે પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી. મારી સામે આવ્યા તે તમામ ઉમેદવારોએ ગામમાં ભાગલા પાડ્યા અને ગામમાં નશાવાદ કરી દીધો, વાઘોડિયાની અંદર સંતો આવે છે. જ્ઞાન આપે છે, આ જ્ઞાનનો નાશ કરવા માટે આવા ઉમેદવારો આવે છે. મારે કોઈ ઉમેદવારનું નામ લેવું નથી. 6-6 વખત હું ચૂંટણી જીત્યો.
‘ભાજપે મારી સાથે અન્યાય કર્યો’
તેમણે કહ્યું, સાતમી વખત પણ મને ટિકિટ આપવાની હતી. પેપરમાં આવી ગયું. મારું ટીવી પર પણ આવી ગયું. મધુ શ્રીવાસ્વતવને ટિકિટ આપવાની છે. મને પહેલા કહ્યું હોત તો રૂપાણીભાઈ અને નીતિનભાઈની જેમ હસીને લખીને આપી દેત. પણ મારી સાથે અન્યાય કર્યો. કોંગ્રેસ પણ મને ટિકિટ આપવા આવી હતી. જનતા દળ અને ઝાડુ વાળી પાર્ટી પણ ટિકિટ આપવા આવી હતી. પણ મારી પ્રજાએ એવું કહ્યું કે અપક્ષ લડો.
ADVERTISEMENT