વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 156 સીટ સાથે ફરી સરકાર બની રહી છે. જોકે આ ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી લડતા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને જનતાએ જ બારમું રતન બતાવી દીધું અને ઘરનો રસ્તો બતાવી દીધો છે. મધુ શ્રીવાસ્તવને એટલી ખરાબ હાર મળી છે કે તેમણે પોતાની ડિપોઝિટ પણ ગુમાવવી પડશે.
ADVERTISEMENT
મધુ શ્રીવાસ્તવે માત્ર 8 ટકા વોટ મળ્યા
વાઘોડિયાના ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને વિધાનસભા ચૂંટણીમાં 14,645 વોટ મળ્યા છે. જ્યારે અપક્ષથી જ લડનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 77905 વોટ મળ્યા છે. જ્યારે આ બેઠક પર કુલ 182659 વોટ પડ્યા હતા. એવામાં ડિપોઝિટ બચાવવા માટે મધુ શ્રીવાસ્તવને 30443 વોટની જરૂર હતી, જેની સામે તેમને માત્ર 8.02 ટકા વોટ મળ્યા છે. એવામાં ચૂંટણી પંચના નિયમ મુજબ હવે તેમની ડિપોઝિટ પણ જપ્ત થશે.
અધિકારીઓને નહીં છોડવાની આપી હતી ધમકી
મતદાનના એક દિવસ પહેલા જ વાઘોડિયામાં એક જનસભામાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું હજુ તમને કહું છું કે ચૂંટણી જીત્યા પછી જુઓ, પછી તો કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ એ બતાવીશ. મારી પ્રજાને નડ્યા હશે એ અધિકારીઓને પણ નહીં છોડું. એમને પણ કચ્છ-ભૂજ ન મોકલું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. જોકે ખરેખરમાં ચૂંટણી બાદ પ્રજાએ જ તેમને બારમું રત્ન બતાવ્યું હોય તેમ ઘરે મોકલી દીધા છે.
ભાજપમાંથી 3 બળવાખોરને મળી જીત
ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા 19 નેતાઓમાંથી માત્ર 3 જ બળવાખોરને જીત મળી છે. આ નેતાઓએ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા. જેમાં લુણાવાડામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પી.સી પટેલ 45 હજારથી વધુ મેળવી ભાજપના જ સીટિંગ ધારાસભ્યને હરાવ્યા હતા. બાયડમાં ધવલસિંહ ઝાલા 6 હજારની સરસાઈથી જીત્યા હતા. જ્યારે વાઘોડિયામાં બળવાખોર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 હજાર વોટથી જીત્યા હતા.
ADVERTISEMENT