વડોદરા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, AAP અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. તેવામાં ટિકિટોની વહેંચણીથી નારાજ નેતાઓને મનાવવા માટે ભાજપ સતત એક્ટિવ છે. વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાઈ છે. જેથી તેઓ ઘણા નારાજ છે ત્યારે દબંગ નેતાએ અપક્ષ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. ગઈકાલે સી.આર.પાટીલે મળીને તેમને મનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમ છતાં મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ફોર્મ ભરવા નીકળ્યા છે.
ADVERTISEMENT
‘પાર્ટીએ ટિકિટ કાપીને અપમાન કર્યું’
ફોર્મ ભરવા જતા પહેલા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા કાર્યકર્તાઓની કમિટી બનાવી હતી અને કમિટીએ નિર્ણય લીધો કે તમારે અપક્ષ ચૂંટણી લડવાની છે. મેં સી.આર પાટીલને કહ્યું હતું કે, આ છેલ્લી તક છે, મારે આ પછી ચૂંટણી નથી લડવાની. તમે મને ટિકિટ આપો, મારી સાથે અન્યાય કરાયો છે. મેં ભાજપમાં 25-30 વર્ષ રહીને લોહી-પરસેવો રેડીને પાર્ટી આગળ લઈ જવા ઘણું કામ કર્યું છે. આજે મારી ટિકિટ કાપીને મારું અમપાન કર્યું છે મારા કાર્યકર્તાઓનું, મારા મતદારોનું અપમાન કર્યું છે. મારા કાર્યકર્તાઓ અને મતદારોએ કહ્યું, મધુભાઈ તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ. જોકે તેઓ કેટલા મતથી જીતશે તે સવાલનો જવાબ આપતા બોલ્યા, મતની વાત ન કરશો, બસ જીત નિશ્ચિત છે.
નાંદોદમાં પણ ધારાસભ્યએ અપક્ષથી ફોર્મ ભર્યું
નોંધનીય છે કે, ભાજપમાં ઘણા ધારાસભ્યો ટિકિટ કપાતા પાર્ટીથી નારાજ હતા. નર્મદામાં નાંદોદ બેઠકના ધારાસભ્યની ટિકિટ કપાતા તેમણે પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. હર્ષ સંઘવી તેમને મનાવવા પહોંચ્યા હતા. પરંતુ તેઓ માન્યા નહોતા. ત્યારે આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. એવામાં જો ફોર્મ પરત નહીં ખેચાય તો ભાજપના જ ઉમેદવારની ટક્કર પૂર્વ ધારાસભ્ય સાથે થશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT