વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં વાપીથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી જતા તેમાં સવાર 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વાપીથી રાજસ્થાન જઈ રહી હતી ખાનગી લક્ઝરી
ઘટનાની વિગતો મુજબ, વાપીથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને વહેલી સવારે સિદ્ધપુર હાઈવે પર અકસ્માત નડ્યો હતો. લક્ઝરીના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. બસને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરવા જતા સેકન્ડોમાં જ તે રોડ પર પલટી ખાઈને કેટલાય મીટર સુધી ઢસડાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
અકસ્માતમાં 22 લોકો ઈજાગ્રસ્ત
સિદ્ધપુર હાઈવે પર તાવડીયા ચાર રસ્તા પાસે સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 22 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં 4 લોકોની હાલત હાલમાં ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે વહેલી સવારથી જ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જ્યારે અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT