જીગર દવે/ભરૂચ: જંબુસર તાલુકાના વહેલમ ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિજનોએ ગામના મેદાનમાં સરેઆમ નગ્ન કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના અને તેના વાયરલ વિડીયોએ ભારે હલચલ મચાવી દીધી છે. જંબુસર તાલુકાના વહેલમ ગામે રહેતો 23 વર્ષીય યોગેશ વસાવા તેના મોટા ભાઈ સાથે રહે છે. યુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી.
ADVERTISEMENT
ગામના મેદાનમાં બેઠેલા યુવકને પ્રેમિકાના પરિજનોએ માર્યો
યુવતીના પરિવારના ચાર સભ્યો યુવકના ઘરે આવી જતા બન્ને પ્રેમી પંખીડા ત્યાંથી ભાગ્યા હતા. જેઓને નજીકમાંથી પકડી યુવતીના પરિજનોએ યુવકને માર મારી યુવતીને લઈ ગયા હતા. જે બાદ ગુરૂવારે યોગેશ ગામની ભાગોળે આવેલા મેદાનમાં બેઠો હતો. ત્યારે યુવતીના પરિજનો હાથમાં લોખંડના પાઇપ, લાકડાના દંડા લઈને દોડી આવ્યા હતા. યુવાનને પકડી ‘તું અમારી દીકરીનો પીછો કેમ કરે છે?’ તેમ કહી અપશબ્દોનો વરસાદ વરસાવી લાફા, ધિક્કાપાટુ અને લાકડીઓ ઝીકવાનું શરૂ કરી દીધું હતું.
સરપંચ સહિત 8 લોકોએ લાકડી-ડંડાથી યુવકને માર્યો
માનવતાની તમામ હદ વટાવી 5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુઓ કરી દીધો હતો. ગ્રામજનો તેમજ યુવકના સમાજના લોકો ભેગા થઈ જવા છતાં યુવકને માર મારવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. જેના વાયરલ થયેલા વિડીયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ જંબુસર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે. પ્રેમીએ તેને નગ્ન કરી ઢોરમાર મારનાર પ્રેમિકાના પરિજનો સતીશ માળી, મહેશ માળી, વિજય વાઘેલા, કમલેશભાઈ, મહેશની પત્ની, રીંકલ માળી, જયાબેન અને સુરેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામના વસાવા સમાજના લોકોએ યુવતીના પિતા સરપંચ વીજયભાઈ સમાજના યુવાનો ઉપર અત્યાચાર ગુજારતા હોવાની રાવ પોકારી છે.
ADVERTISEMENT