નવી દિલ્હી: ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં તબાહી મચી ગઈ છે. ત્યાં અત્યાર સુધીમાં 28 હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, ભૂકંપના કારણે તુર્કીમાં લૂંટની ઘટનાઓ વધી છે. ભૂકંપ બાદ પોલીસે લૂંટમાં સામેલ 48 લોકોની ધરપકડ કરી છે. 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટનાઓ બાદ તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ બાદ સમિતિએ 8 જુદા જુદા પ્રાંતમાંથી 48 શકમંદોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ભૂકંપથી અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયામાં 28 હજારથી વધુ લોકોના મોત થયા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને 10 પ્રાંતોમાં ત્રણ મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. લૂંટની ઘટનાઓ વધ્યા બાદ એર્દોગને કહ્યું હતું કે તેઓ આ ઘટનાઓ પર રોક લગાવશે. તેમણે કહ્યું હતું કે લૂંટ અને અપહરણ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકોએ જાણવું જોઈએ કે દેશમાં આ ઘટનાઓના અપરાધીઓને છોડવામાં આવશે નહીં.
ભારતે વધુ એક એરક્રાફ્ટ મોકલ્યું
ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ભારતે મદદ માટે ભારતે વધુ એક એરક્રાફ્ટ મોકલ્યું છે. 7મું વિમાન ઉત્તર પ્રદેશના હિંડન એરપોર્ટ પરથી રાહત સામગ્રી લઈને તુર્કી અને સીરિયા માટે રવાના થયું છે. આ ફ્લાઈટમાં ભૂકંપ પીડિતો માટે જીવનજરુંરી દવાઓ, ફિલ્ડ હોસ્પિટલ, ધાબળા અને સ્લીપિંગ મેટ્સ જેવી જરૂરી વસ્તુઓ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે રવાના થયેલું 7મું એરક્રાફ્ટ સૌથી પહેલા સીરિયાની રાજધાની દમાસ્કસ પહોંચશે, અહીં રાહત સામગ્રી ઉતાર્યા બાદ ફ્લાઈટ તુર્કીના અદાના માટે રવાના થશે.
35 ટનથી વધુ સામગ્રી મોકલી
એરક્રાફ્ટ 35 ટનથી વધુ રાહત સામગ્રી લઈ જઈ રહ્યું છે. જેમાંથી 23 ટનથી વધુ સીરિયા અને લગભગ 12 ટન તુર્કીને પહોંચાડવામાં આવશે. સીરિયાને જે સહાય મોકલવામાં આવી રહી છે તેમાં સ્લીપિંગ મેટ્સ, જનરેટર સેટ, સોલાર લેમ્પ, તાડપત્રી, ધાબળા, કટોકટી અને ગંભીર સારવાર માટેની દવાઓ અને આપત્તિ રાહત સામગ્રી જેવી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે.
તુર્કીને મોકલવામાં આવેલી સહાયમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો, તબીબી સાધનો જેમ કે ECGs, પેશન્ટ મોનિટર, એનેસ્થેસિયા મશીન, સિરીંજ પંપ અને ગ્લુકોમીટરનો સમાવેશ થાય છે. રાહત સામગ્રીના માલમાં ધાબળા અને અન્ય રાહત સામગ્રીનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે તુર્કીમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં ભૂકંપમાં ઘાયલ થયેલા ઘણા લોકોને મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT