વ્યાજખોરે 8 લાખની સામે 17 લાખ લીધા, મકાન લખાવી લીધું છતાં 15 લાખ માગતો, હવે પોલીસનો પરચો મળશે

વીરેન જોશી/મહીસાગર: રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઊંઘની 50 ગોળીઓ ખાઈ લીધી ત્યારે હવે લુણાવાડામાં વ્યાજખોરોના ત્રાસની…

gujarattak
follow google news

વીરેન જોશી/મહીસાગર: રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઊંઘની 50 ગોળીઓ ખાઈ લીધી ત્યારે હવે લુણાવાડામાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. વ્યાજે લીધેલા 8 લાખની સામે 17 લાખ રૂપિયા ચૂકવવા છતાં આરોપી વધુ પૈસા માગતો હતો. આખરે શિક્ષકની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

ધંધા માટે 8 લાખ વ્યાજે લીધા હતા
વિગતો મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગેગડીયા ગામે રહેતા અશ્વિન સબુર પ્રજાપતિએ તે જ ગામમાં રહેતા હસમુખ પટેલ પાસેથી ધંધો કરવા માટે ટુકડે ટુકડે આઠ લાખ રૂપિયા આશરે સાત આઠ વર્ષ અગાઉ લીધા હતા. ત્યાર બાદ અશ્વિન પ્રજાપતિ હસમુખ પટેલને માસિક વ્યાજ પણ ચુકવતા હતા. સાથે સાથે હસમુખ પટેલે અશ્વિન પ્રજાપતિ અને તેમના પિતા સબુર પ્રજાપતિના બેન્કના કોરા ચેક પણ લીધા હતા. પરંતુ તેમના બેન્ક ખાતામાં બેલેન્સ ના હોવાથી હસમુખ પટેલે અશ્વિન પ્રજાપતિના મોટાભાઈ મુકેશ પ્રજાપતિ કે જે પોતે શિક્ષક છે અને જાફરાબાદ અમરેલી રહે છે તેમને બોલાવીને ધાક ધમકી આપી કે તમારા ચેક નહીં આપો તો તમારા પિતા તથા તમારા ભાઇને સમાજમાં બદનામ કરીશ. તેમ કહી મુકેશ પ્રજાપતિના કોરા ચેક લઇ લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ડિંગુચાના પરિવારને અમેરિકા મોકલનારા બે એજન્ટ ઝડપાયા

યુવકના શિક્ષક ભાઈને બ્લેકમેઈલ કરીને કોરા ચેક પડાવી લીધા
સમાજમાં બદનામી ન થાય તે ડરથી અશ્વિન અને મુકેશ બન્ને વ્યાજ ચૂકવતા રહ્યા. તેમજ મુકેશ પોતે અવારનવાર ઓનલાઈન પેમન્ટ પણ કર્યું અને અત્યાર સુધી આશરે બન્ને ભાઈએ ભેગા થઈને 17 લાખ જેટલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હસમુખ પટેલે મુકેશ પ્રજાપતિને ધાક ધમકી આપી ગોધરા ખાતે આવેલ મકાનમાં રહેતા ભાડુઆત પાસેથી પણ ઓનલાઈન પેમેન્ટ પોતાના દીકરા યોગેશ પટેલના ખાતામાં નખાવતો હતો. તેમજ આશરે દોઢ એક વર્ષ અગાઉ ધાકધમકી આપી મુકેશ પ્રજાપતિનું ગોધરા ખાતેના મકાનનું બાનાખાત કરી સ્ટેમ્પ પર સહી પણ કરાવી લીધી તેવા આક્ષેપ મુકેશ પ્રજાપતિની પત્ની પુષ્પા પ્રજાપતિએ લગાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, 24 કરોડની સામે 183 કરોડની ઉઘરાણી કાઢી

નોકરી છોડાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી
હસમુખ પટેલ, મુકેશ પ્રજાપતિના ઘરે જઈને અને ફોન કરીને ધાક ધમકી આપતો કે, ‘તું મને પંદર લાખ રૂપિયા આપી દે તો તને તારા ચેક પાછા આપીશ નહીંતર બીજા મારફતે ચેક નાખીને કેશ કરીને તારી નોકરી છોડાવી દઇશ અને તને સમાજમા બદનામ કરી નાખીશ.’ જેથી મુકેશ પ્રજાપતિ ખુબ જ ગભરાઇ ગયા અને મરી જવાનુ વિચારતા હતા. આથી મુકેશ પ્રજાપતિની પત્ની પુષ્પા પ્રજાપતિએ વ્યાજખોર હસમુખ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરના પગલાં ભરવા વિનંતી કરી છે.

    follow whatsapp