Ahmedabad News: શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં મળૂ સિહોરના અને હાલમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કુલદીપસિંહે પોતાની પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું. ઘટના બાદ હવે પોલીસકર્મીએ તેના મિત્રને કરેલા અંતિમ શબ્દો સામે આવી રહ્યા છે. જેમાં તેઓ પોલીસનો ગ્રેડ-પે વધે તેવી અંતિમ ઈચ્છા દર્શાવી છે.
ADVERTISEMENT
વસ્ત્રાપુર પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ તેમની પત્ની રિધ્ધી અને ત્રણ વર્ષની દીકરી આકાંગશી સાથે ગોતા વિશ્વાસસિટીમાં આવેલા દિવ્યા હાઇટ્સ નામની બહુમાળી ઇમારતમાં રહેતા હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે કુલદીપસિંહ અને તેમની પત્ની રિધ્ધીએ બાળકી સાથે 12માં માળેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તેમણે ગંભીર ઇજા થતાં તમામના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.
કુલદીપસિંહ સિહોરના વતની છે પોલીસ મિત્રોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે હજી સમજાતું નથી. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ અને તેમના પત્ની આવું પગલું ભરશે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.
ADVERTISEMENT