રાજકોટ: વિંછીયાના અમરાપરમાં આવેલા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની આદર્શ સ્કુલમાં ધો.10ની એક વિદ્યાર્થિનીના આપઘાતનો મામલો હવે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થિનીના મોત મામલે કોળી વિકાસ સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય તેવો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે.
ADVERTISEMENT
વિદ્યાર્થિનીનું મોત શંકાસ્પદ હોવાનો દાવો
કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાએ CMને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મૃતક કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યુ થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોને જાણ કરવામાં આવી. તેના પણ પુરાવા કે વીડિયો કે દીકરીએ કોના ત્રાસથી આવું કર્યું તેની સચોટ માહિતી પણ નથી અપાઈ.
પરિવારે તટસ્થ તપાસ સાથે ન્યાયની માગણી કરી
પત્રમાં આગળ કહેવાયું છે કે, અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી અથવા શોષણ કરીને મોતને ઘોટ ઉતારવામાં આવી છે. કારણ કે ત્યાં બનાવસ્થળે મીડિયાને પણ જવા દેવામાં નથી આવેલા. જેથી અમને કાજલનું મોત શંકાસ્પદ લાગે છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે, આ સ્કૂલમાં અગાઉ પણ બે દીકરીઓના આ જ રીતે મૃત્યુ થયા હતા તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી. આથી અમારી માગણી છે કે ઉચ્ચ અધિકારીને આ કેસની તપાસ સોંપવામાં આવે. આ સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગીયા)
ADVERTISEMENT