અમિત શાહનો ગઢ અકબંધ, ઉમેદવારોના પત્તા હજુ સુધી ખોલ્યા નથી; જાણો સ્ટ્રેટેજી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેના પગલે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પછી ભાજપે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. ઉલ્લેખનીય છે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેના પગલે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પછી ભાજપે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા એકસાથે 160 ઉમેદવારોની જાહેરાત કરાઈ ચૂકી છે. તેવામાં હવે મહત્ત્વપૂર્ણ જે બેઠકો છે એના પરથી કોણ ઉમેદવારી કરશે એ હજુ સુધી બહાર આવ્યું નથી. તો ચલો આની પાછળ કઈ રણનીતિ હશે તથા અમિત શાહના ગઢના પત્તા પણ હજુ ભાજપે કેમ નથી ખોલ્યા એના પર નજર કરીએ…

અમિતશાહનો ગઢ અકબંધ, જાણો વિગતવાર…
ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની વાત કરીએ તો આ અમિત શાહના ગઢમાં આવે છે. વળી વાત કરીએ આ બેઠકની તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સામે હજુ સુધી ભાજપ આ મુખ્ય બેઠક પર પત્તા ખોલવા માગતુ નથી. જેને લઈને હજુ સુધી દાવેદારોના નામની ચર્ચાએ અન્ય રાજકીય પાર્ટીઓ માટે પણ સસ્પેન્સ યથાવત રાખ્યું છે.

ગાંધીનગર બેઠક પર હાલ સ્થાનિક ઉમેદવારની માગ…
અત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો એ 2008ના સિમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. અહીંથી અલ્પેશ ઠાકોરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમનો વિરોધ થઈ રહ્યો છે અને સ્થાનિક ઉમેદવાર હોય એવી લોકો માગણી કરી રહ્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શંભુજી ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક પર જંગી વિજય મેળવ્યો હતો. તેવામાં આ બેઠક પરનું સમીકરણ હજુ ભાજપ ઉકેલી શકે છે.

ગાંધીનગર ઉત્તર બેઠકનું ગણિત
2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તર બેઠકનો ઉમેરો કરાયો હતો. આ દરમિયાન 2012માં ભાજપના ઉમેદવાર અશોક પટેલની અહીંથી જંગી જીત થઈ હતી. જોકે 2017માં અહીંથી કોંગ્રેસનો વિજય થયો હતો અને અશોક પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો.

કઈ કઈ બેઠકો પર ભાજપે સસ્પેન્સ જાળવી રાખ્યું
પાટણ , રાધનપુર, હિંમતનગર, ખેરાલુ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, વટવા, કલોલ,
ધોરાજી, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, જેતપુર (પાવી), માંજલપુર, ચોર્યાસી બેઠક, ડેડિયાપાડા સહિતની બેઠકો પર ભાજપે સસ્પેન્સ જાળવી રાખ્યું છે.

ભાજપની રણનીતિ…
ઉલ્લેખનીય છે કે જેવી રીતે વિધાનસભા ચૂંટણી જામી રહી છે. તેમ જોતા ભાજપ દ્વારા કોઈપણ પાર્ટીને પૂર્વ તૈયારીઓ કરવાની તક ન મળે અથવા એ બેઠક પર ભાજપની શું રણનીતિ હશે એની જાણ ન થાય એ પ્રમાણે પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. અત્યારે જે જે બેઠકો પર સસ્પેન્સ જોવા મળ્યું છે એને લઈને ભાજપ ગમે ત્યારે પોતાના પત્તા બદલી શકે છે.

    follow whatsapp