ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગીરનારની લીલી પરિક્રમાનું અલગ જ મહાત્મ્ય રહેલું છે. કહેવાય છે કે વિશ્વમાં કુદરતી રીતે કુલ 8 સ્થળે જ ‘ઓમ’ છે, એમાંથી એક ગિરનારમાં પણ છે. આ એક પવિત્ર અને ધાર્મિક રીતે સિદ્ધ સ્થળ છે. તેવામાં કારતક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમામાં ઉચ્ચ કોટીના સંતો, મહાત્માઓ, દિવ્ય પુરૂષો પણ ભાગ લેવા આવે છે. તેવામાં અત્યારે એવી શ્રદ્ધા છે કે અહીં હજુ પણ દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી કારતક અગિયારસથી કારતકી પૂનમ સુધી પરિક્રમા કરવા માટે આવે છે. એટલું જ નહીં દેવી દેવતાઓ પણ તેમની સાથે આ પવિત્ર પરિક્રમા કરવા આવતા હોવાની માન્યતા છે. ભક્તોની આ શ્રદ્ધાના પરિણામે જ આ આસ્થા અને પરપંરાનું પ્રતિક બની ગયું છે. ગીરનારની આ લીલી પરિક્રમા આદિકાળથી અવિરત ચાલુ હોવાની માન્યતા છે.
આ પરંપરાના શ્રી ગણેશ કેવી રીતે થયા?
એવી માન્યતા છે કે આશરે લગભગ 30 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર પવનની ગતિ 25 હજાર કિ.મી. પ્રતિ કલાક હતી. દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ કરાયો છે કે એ સમયે પર્વતને પાંખો હતી. ભગવાન બ્રહ્મા જ્યારે પૃથ્વીની યોજના કરતા હતા તે સમયે તેમણે પર્વતની પાંખો કાપી નાખી હતી. જેના પરિણામે પૃથ્વી પર પવનની ગતિ 20થી 100 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી.
ગિરનાર પર્વત બહેનના લગ્ન જવા બહાર નીકળ્યો અને…
એવું કહેવાય છે કે ગિરનાર પર્વત પોતાના બહેન પાર્વતીના લગ્નમાં હાજરી આપવા માટે હિમાલય જવા માટે દરિયાની બહાર આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તે સમુદ્રથી માત્ર 50 કિમી દૂર જમીન પર સ્થિર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ગિરનારને હિમાલય જવા માટે કોઈ રસ્તો જ નહોતો મળ્યો. જેને લઈને પોતાના લગ્નમાં ભાઈ ન પહોંચતા આગામી ત્રિપુરી પૂર્ણિમાના અવસરે માતા પાર્વતી ખુદ પતિ શિવજી સાથે ગિરનાર આવ્યા હતા.
ત્યારપછી શિવજી ભગવાન અને પાર્વતી માતાના સહિત સર્વ દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનીધી, 52 વીર, 64 દેવી, 11 જળદેવતા, નવનાગ, અષ્ટવસુ, કુબેર ભંડારી તે બધા
શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન રૂષિ મુનિ, નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનીધી 52 વીર 64 દેવી 11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારીએ 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી જ આ અવિરત પરંપરા જળવાઈ રહી છે.
સર્વ દેવતાઓ ગિરનાર જંગલમાં હોવાની માન્યતા
કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હોવાની માન્યતા છે. ત્યારથી આજે પણ કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં હોવાની શ્રદ્ધા સાથે લાખો ભક્તો ગિરનાર પર્વતની પરિક્રમા કરવા જઈ રહ્યા છે.
આ પરિક્રમા પ્રકૃતિને ઓળખવાની તક સાથે આરોગ્યને જાળવવાનો એક યોગ છે..
એક ધાર્મિક માન્યતાની સાથે એમ પણ કહી શકાય કે ચાર દિવસ પ્રકૃતિની ગોદમાં રહી કુદરતને ઓળખીએ, મહત્વ જાણીએ અને સંભાળ રાખીએ. સાથે સાથે દિવાળીના તહેવારો બાદ પદયાત્રા શરીરને હળવુંફૂલ બનાવે, શકિત અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એ પણ જરૂરી છે, અવુ માનનારા પણ આ યાત્રામાં જોડાય છે. હેલ્થ જાળવવા ગિરનારના જંગલની લીલોતરી વચ્ચે પદયાત્રા ઘણી લાભદાયી રહે છે.
પ્રકૃતિની સુરક્ષા અને સંવર્ધન આપણી જવાબદારી છે. પ્લાસ્ટિક અને અન્ય કચરાઓ ફેંકી ગંદકી ન કરીએ એવા પ્રણ સાથે આ પરિક્રમા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અહીં ભગવાનનો નિવાસ હોવાની શ્રદ્ધા છે તેથી કુદરતાના ખોળે આ પરિક્રમા જાણે માતાનો ખોળામાં બાળક રમવા આવ્યું હોય એવો પ્રેમ, વાત્સલ્યનું અનુભવ કરાવે છે.
ગિરનાર પરિક્રમા દરમિયાન લાખો લોકો જંગલમાંથી પસાર થાય છે. આ દરમિયાન ઘણા લોકો આ પ્રકૃતિના ખોળે લાખો ટન પ્લાસ્ટિક અને અન્ય કચરાઓ ફેંકે છે. જે પ્રકૃતિમાં ગંદકી ફેલાવે છે અને નુકસાન પહોંચાડે છે. આજકાલ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ પ્રકૃતિને નુકસાન કર્તા બને છે. જેથી અહીં ગંદકી ન કરવાનો પ્રણ લેવો પણ જરૂરી છે.