મેઘરાજાની અમદાવાદમાં વરસવાની પેટર્ન આવી સામે, આ સમયે ભૂલથી પણ બહાર ન નીકળતા

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની ખાસ પેટર્ન છતી થઈ ગઈ છે. ગત 4 દિવસ પર નજર કરીએ તો અમદાવાદમાં વરસાદ બપોરના સમયે જ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની ખાસ પેટર્ન છતી થઈ ગઈ છે. ગત 4 દિવસ પર નજર કરીએ તો અમદાવાદમાં વરસાદ બપોરના સમયે જ ધોધમાર પડી રહ્યો છે. આની સાથે એક ચોક્કસ સમયગાળો પણ જો રિસર્ચ કરીએ તો બહાર આવી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં જે પ્રેશર સર્જાયું છે એના કારણે હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં તોફાની વરસાદ ખાબકી રહ્યો છે.

વરસાદની પેટર્ન સમજો, બહાર જવાનું ટાળો
નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી દ્વારા હજુ 2 દિવસ સુધી વરસાદ પડી શકે છે. તેવામાં અમદાવાદીઓને જણાવી દઈએ કે અહીં સતત 4 દિવસના વરસાદની પેટર્ન પર નજર કરતા સામે આવ્યું છે કે. બપોરે 2થી સાંજે 4 વાગ્યાની વચ્ચે વરસાદ પડતો જ આવ્યો છે. સવારે ગમે તેટલો તડકો પડતો હોય પરંતુ બપોરનો સમય થાય ત્યારે કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે અને જોતજોતામાં ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ જ જાય છે.

સોમવાર સમયાંતરે વરસાદ વરસ્યો
અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે સોમવારે બપોર અને રાત વરસાદમાં જ પસાર થઈ હતી. આ દિવસે તો સવાર, બપોર અને સાંજે જે રીતે મુશળધાર વરસાદ પડતો હતો એના કારણે વિઝિબલિટી પણ ઓછી થઈ ગઈ હતી.

અમદાવાદમાં વરસાદી માહોલ
નોંધનીય છે કે, અમદાવાદની વાત કરીએ તો અહીં પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી 43 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગઈકાલે એલિબ્રિજ જેવા વિસ્તારોમાં 30 મિનિટ સુધીમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો હતો. ત્યારે બીજી બાજુ રવિવારે વાસણા બેરેજનું લેવલ 135.75 ફૂટને પાર પહોંચી ગયું હતું. જ્યારે બેરેકનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. જ્યારે નવસારી પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આણંદ, વડોદરા, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ મુજબ, રાજ્યના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. આ દરમિયાન 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એવામાં બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં 165 ટકા, ઉત્તર ગુજરાતમાં 114 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 87 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115 ટકા વરસાદ પડ્યો છે.

    follow whatsapp