અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટી આક્રમક જોવા મળી રહી છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન પાટીદાર સમાજનું મહત્ત્વ પણ ઘણું વિશાળ રહ્યું છે. તેવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના દિગ્ગજ નેતા અલ્પેશ કથિરીયા આજે AAPનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. તેવામાં હવે PAAS કમિટિમાંથી જ કથીરિયાના ઘણા સાથીઓ એવા છે જેમણે વિવિધ રાજકીય પક્ષોનો ખેસ ધારણ કરી લીધો છે. તેમાંથી હવે રાજકારણમાં પાટીદાર સમાજના મહત્ત્વને જોતા કથીરિયાના સહિત કમિટિના દિગ્ગજો કઈ કઈ પાર્ટીમાં કાર્યરત છે એ પણ જોવાજેવું રહેશે. જોકે આમાં ભાજપનું પલડું ભારે હોય એમ નજરે પડી રહ્યું છે. ચલો વિગતવાર ચર્ચા કરીએ…
ADVERTISEMENT
ભાજપનું પલડું ભારે…
પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીમાં દિગ્ગજો સામેલ હતા. જેમાં હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બંભાણિયા, અમરીશ પટેલ, નિલેષ એરવાડિયા, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ અને રેશ્મા પટેલનો સમાવેશ થાય છે. જેમાં રાજકારણમાં પાર્ટીનો સાથ આપવાની વાત કરીએ તો સૌથી પહેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જોકે ત્યારપછી રેશ્મા પટેલ NCPમાં જોડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે પાટીદારોને રિઝવવા માટે ભાજપ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે PAASના દિગ્ગજોએ પણ ભાજપ પર વિશ્વાસ રાખ્યો હતો. ત્યારપછી વાત કરીએ તો ચિરાગ પટેલ, કેતન પટેલ અને અમરીશ પટેલે પણ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. આમાં હાર્દિક પટેલ પણ પ્રચંડ હુંકાર સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. આમ જોવા જઈએ તો અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીના સાથીઓમાંથી મોટાભાગના દિગ્ગજોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
હાર્દિક પટેલ ગેમ ચેન્જર બની રહેશે!
હાર્દિક પટેલ પાટીદાર સમાજનો એક મોટો ચહેરો બની ગયા છે. તેવામાં હવે ભાજપનો ખેસ ધારણ કરવાની સાથે જ પાટીદાર સમાજના લગભગ મોટાભાગના દિગ્ગજોને ભાજપે પોતાની તરફેણમાં કરી લીધા છે.
અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે તો શું સમીકરણો બદલાશે?
અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કથીરિયા વરાછાથી ચૂંટણી લડી શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ તો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા પછી કથીરિયા મેદાનમાં ઉતર્યા તો ભાજપને મોટો પડકાર રહી શકે છે. કારણ કે સુરત બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ વધારે છે. વરાછા, ઓલપાડ, કરંજ, કામરેજ, કતારગામ સહિતની બેઠકો પર પાટીદાર મતદાતાઓની સંખ્યા વધુ છે અને સમાજ ઈચ્છે તેને વિજેતા બનાવી શકે છે. જેથી કોઈપણ રાજકીય પક્ષને ઈચ્છા હોય કે PAAS સમિતિના મોટા ચહેરાને મેદાનમાં ઉતારીને પાટીદારોનું સમર્થન મેળવવું.
જોકે અલ્પેશ કથિરીયાના AAPમાં જવાથી તેનો ફાયદો ચોક્કસ પણે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પણ થઈ શકે છે. કારણ કે તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને પાટીદાર સમાજમાં પણ સારી એવી ચાહના ધરાવે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં તેમને આપમાંથી ટિકિટ મળશે કે કેમ?
ADVERTISEMENT