રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આજે લોક ગાયક અને મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવીને મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જોકે થોડા સમય બાદ મતદાન મથકમાં જ રાહ જોયા બાદ કલેક્ટરને રજૂઆત કરતા આખરે તેઓ મતદાન કરી શક્યા હતા.
ADVERTISEMENT
કેમ અધિકારીઓએ બહાર બેસાડી રાખ્યા?
રાજકોટમાં આજે પ્રથમ તબક્કાના મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોક ગાયક કીર્તિદાન ગઢવી માધાપર મતદાન મથકે પહોંચ્યા હતા. જોકે મત આપવા ગયેલા કીર્તિદાન ગઢવી પાસે તેમનું આઈડી પ્રૂફ હાર્ડ કોપીમાં સાથે નહોતું. આથી તેમને મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જોકે આ બાદ કીર્તિદાન ગઢવીએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ કલેક્ટરની મધ્યસ્થી બાદ આખરે તેઓ મત આપી શક્યા હતા.
આજે 2.39 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. સવારે 1 વાગ્યા સુધીમાં 34 ટકા મતદાન થયું છે.
ADVERTISEMENT