સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી એક પછી એક ગેરન્ટીઓ આપતી રહી છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર 11 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે. અહીં તેમને કોળી સમાજના મહાસંમેલનમાંથી આમંત્રણ મળ્યું હોવાની અટકળો તેજ થઈ છે. જોકે આમાં અરવિંદ કેજરીવાલ ભાગ લેશે કે નહીં એ અંગે હજુ સુધી આમ આદમી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અગાઉ પણ અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગરની મુલાકાતમાં ગ્રામીણ વિસ્તારમાં સરપંચો અને વીસીઓને લઈને મોટી જાહેરાત કરી ખાસ ગેરન્ટી આપી હતી. તેવામાં હવે કોળી સમાજના મહાસંમેલનમાં અરવિંદ કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
પડતર પ્રશ્નોને લઈને જાહેર કરશે ગેરન્ટી કાર્ડ
11 સપ્ટેમ્બરના દિવસે અરવિંદ કેજરીવાલ ચોટિલા ખાતે આયોજિત કોળી સમાજના મહાસંમેલનમાં ભાગ લેશે એવી શક્યતાઓ સામે આવી રહી છે. જોકે આમ આદમી પાર્ટી તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહીં તેઓ ગેરન્ટી કાર્ડ મુદ્દે પડતર પ્રશ્નોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે તેમના દ્વારા આયોજિત પ્રવાસમાં કેજરીવાલ દિગ્ગજો સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓને ગેરન્ટી કાર્ડમાં ઉમેરવાની વાત કરી શકે છે. જેમાં કોળી સમાજના 9 પ્રશ્નોને લઈને મોટી જાહેરાત કરાઈ શકે છે.
કોળી સમાજે આપ્યું અરવિંદ કેજરીવાલને આમંત્રણ
અહેવાલો પ્રમાણે આ સંમેલનનું આયોજન કોળી એકતા ઠાકોર મિશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં એક લાખ કોળી ઠાકોર સમાજના લોકોને સંબોધન કરવાની તક અરવિંદ કેજરીવાલને મળી શકે છે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોળી સમાજે અરવિંદ કેજરીવાલને સામેથી આમંત્રણ આપ્યું હોવાની માહિતી મળી રહી છે. જેમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી જેવા આપના નેતાઓ પણ હાજરી આપી શકે એવી અટકળો સેવાઈ રહી છે.
કોળી સમાજની અવગણનાના કિસ્સા સામે આવ્યા હતા
વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજની છેલ્લા ઘણા સમયથી અવગણના થતી હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી. હવે એક બાજુ આમ આદમી પાર્ટીમાંથી કોળી સમાજ તરફથી કયા નેતાની પસંદગી થશે એની ઉમેદવારી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. તેવામાં હવે એકબાજુ કોળી સમાજ ભાજપ અને કોંગ્રેસથી નારાજ છે, જેથી આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ તેઓ વધારે પસંદ કરી શકે છે.
ADVERTISEMENT