અમદાવાદ: ગુજરાતમાં આગામી થોડા સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને મતદાતાઓને આકર્ષવા દિલ્હીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઉતરી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ગુજરાતના પ્રવાસે આવીને ગેરંટીનું પોટલું ખોલીને ભાજપની ચિંતા વધારી રહ્યા છે. જોકે ગુજરાતમાં સત્તા મેળવવાનું સપનું જોતા કેજરીવાલના દિલ્હીની સરકાર જ સંકટમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
કેજરીવાલ 30 ઓગસ્ટે દ્વારકા નહીં આવે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 30 ઓગસ્ટે દ્વારકાના પ્રવાસે આવવાના હતા. આ અંગેની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ હતી. જોકે દિલ્હીના રાજકારણમાં વધેલી હલચલના કારણે તેમણે રાતો રાત પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. એવો આક્ષેપ કરાયો છે કે, દિલ્હીમાં AAPના કેટલાક ધારાસભ્યોને ભાજપ દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કેટલાય ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં નથી. ધારાસભ્યો પાર્ટી ન બદલી લે તે માટે કેજરીવાલે પાર્ટીની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. એવામાં તેમનો દ્વારકા પ્રવાસ કેન્સલ કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા AAPના ધારાસભ્યોને કરોડની ઓફર કરાઈ હોવાનો આક્ષેપ
દિલ્હીમાં કેજરીવાલ માટે ‘બકરું કાઢતા ઊંટ પેઠું’ જેવા ઘાટ સર્જાયા છે. ગુજરાતમાંથી ઝાડુ વડે કમળ કાઢવાનું સપનું જોતા AAP માટે હવે દિલ્હીમાં જ સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. દિલ્હીમાં AAPના 62 ધારાસભ્યો છે, પાર્ટી તમામને બોલાવીને સ્પષ્ટ કરી લેવા માગે છે કે તેઓ પાર્ટીની સાથે છે કે નહીં. પાર્ટી પહેલાથી જ આરોપી લગાવી ચૂકી છે કે ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર કરાઈ રહી છે, પરંતુ ભાજપે આ વાતથી ઈનકાર કર્યો છે.
કેજરીવાલનો ભાજપ પર આક્ષેપ
આજે જ કેજરીવાલના નિવાસસ્થાને AAPના ધારાસભ્યોની બેઠક થઈ હતી. જે બાદ કેજરીવાલે રાજઘાટ પહોંચીને કહ્યું કે, આ સમયે દેશમાં સરકાર પાડવાનો માહોલ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં દારૂ કૌભાંડની વાત કહેવાઈ રહી છે, પરંતુ ભાજપના કૌભાંડ વિશે ખબર જ નથી. કેજરીવાલે આરોપ મૂક્યો કે ભાજપે દિલ્હી માટે 800 કરોડ રૂપિયા રાખ્યા છે.
ADVERTISEMENT