સુરતની કતારગામ બેઠક પર ફરી ભાજપનું કમળ ખીલશે કે પછી AAPનું ઝાડું ફરી વળશે?

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે AAP એક બાદ એક પોતાના પત્તા ખોલી રહી છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે સુરતની કતારગામ બેઠક પરથી AAPના પ્રદેશ પ્રમુખ…

gujarattak
follow google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે AAP એક બાદ એક પોતાના પત્તા ખોલી રહી છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે સુરતની કતારગામ બેઠક પરથી AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો ગઢ રહેલી કતારગામ બેઠક પર આ વખતે ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળશે.

પાલિકાની ચૂંટણીમાં કતારગામમાં ઝાડું ફરી વળ્યું હતું
કતારગામ બેઠકની વાત કરીએ તો વર્ષ 2017માં અહીંથી 15 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. અનામત આંદોલનની પાટીદારોમાં નારાજગી હોવા છતાં ભાજપના વિનોદ મોરડિયાનો 1,25,233 મત મળ્યા હતા. એટલે કે કુલ મતના 69 ટકા મત ભાજપના ફાળે હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાસાને 46 હજાર મતો મળ્યા હતા. જોકે પંચાયતની ચૂંટણીમાં સુરતની કતારગામ મતવિસ્તારમાં આવનારા વોર્ડમાં કોઈ મોટો ચહેરો ન હોવા છતાં AAPનું ઝાડું ફરી વળ્યું હતું. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં AAPએ મોટો પાટીદાર ચહેરો એવા ગોપાલ ઈટાલિયાને અહીંથી ચૂંટણી લડવા ઉતાર્યા છે. એવામાં ભાજપની સીધી ટક્કર AAP સાથે થશે.

2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં ભાજપની જીત
જોકે આ વખતે ગુજરાતમાં 2017 જેવો માહોલ નથી. 2017ની ચૂંટણીમાં અલગ માહોલ હતો, આંદોલન હતું. AAPમાંથી લડી રહ્યા છે તેમાંથી મોટાભાગના પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા. ત્યારે પણ સુરતની 16માંથી એકપણ બેઠક કોંગ્રેસ જીતી શકી નહોતી. પાટીદાર સમાજે પણ ભાજપને વોટ આપ્યાની ચર્ચા થઈ હતી. ત્યારે આ વખતે પણ કોંગ્રેસના કતારગામમાં જીતવાની સંભાવના ખૂબ ઓછી લાગી રહી છે. વર્ષ 2012ની ચૂંટણીમાં પણ અહીંથી ભાજપના નાનુભાઈ વાનાણી વિજેતા થયા હતા.

રાજકીય વિશ્લેષકના મતે યુવાઓના વોટ ભાજપ તરફ નથી વળ્યા
રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે કહ્યું કે, પાટીદાર આંદોલન સમી ગયા બાદ પાલિકાની ચૂંટણીમાં તેની અસર સુરતમાં જોવા મળી હતી. આંદોલનની અસર હાલ ગુજરાતમાં બધે નથી. પરંતુ તે વખતે એક નારાજ વર્ગ થયો હતો તે હજુ ભાજપમાં પાછો નથી વળ્યો. જૂની વોટબેંક ભાજપ સાથે ટકી ગઈ હતી. પરંતુ જે નારાજ થઈને યુવા વર્ગ ગયો હતો તેને પાછા લાવવાની વાત હતી એ પાછો નથી આવ્યો. કારણ કે તેને AAPમાં જગ્યા મળી છે. જોકે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર નક્કી થાય એટલે ચિત્ર સ્પષ્ટ થશે કે આ બેમાંથી કોઈ એકને નુકસાન થવાનું છે. કોંગ્રેસને તો નુકસાન એટલે નહીં થાય કારણ કે તેઓ આમ પણ હારેલા હતા. સૌરાષ્ટ્ર અને સુરત બે જગ્યા છે જ્યાં AAP ગુજરાતમાં વધારે પડકાર આપી શકે છે.

શું છે કતારગામ બેઠકના મતદારોનું સમીકરણ?
કતારગામ બેઠકની વાત કરીએ તો સુરતની કતારગામ બેઠક વિધાનસભાની 182 બેઠકો પૈકી 166 નંબરની બેઠક છે. અહીંની મોટાભાગની વસ્તી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની છે.જેમાં મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ રહે છે. કતારગામ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. આ બાદ બીજા ક્રમે પ્રજાપતિ સમાજ અને પછી અન્ય સમાજ આવે છે.

કતારગામમાં હાલ કેટલા મતદારો?
તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મતદાર યાદી મુજબ કતારગામ બેઠક પર કુલ 322015 મતદારો છે. જેમાંથી 176735 પુરુષ મતદારો અને 145278 મહિલા મતદારો છે. જ્યારે 2 અન્ય મતદાતાઓ છે.

    follow whatsapp