ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધતા જતા વિવાદો અને વિખવાદોને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી વર્તણૂકને કારણે અવાર નવાર વિવાદોમાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં ભાવનગર સિંહોરમાં ભાજપની બેઠકમાં તાલુકા મહામંત્રી વિજયસિંહને ગેરહાજર રહ્યાં હતા અને કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેને લઈને મુકેશભાઈએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે “ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ?’ તાલુકા ભાજપ પ્રમુખને કહી મહામંત્રીનું રાજીનામું લઈ લેવા સુધીના ધમકીભર્યા સૂરો મુકેશભાઈએ ઉચ્ચારતા કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
ભાજપ નેતા વાઈરલ ઓડિયો પર શું બોલ્યા?
આ બાદ મુકેશભાઈ લંગાળીયાએ માફી માગતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ અંગે બાદમાં મુકેશ લંગાળીયાએ કહ્યું હતું કે, મારા નિવેદનનો ઓડિયો કોઈએ રેકોર્ડ કરીને તેને એડિટ કરીને રજૂ કર્યો છે. મારો ઈરાદો કારડીયા રાજપૂત સમાજનું અપમાન કરવાનો નહોતો. મારા નિવેદનથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.
જાહેરમાં માફી માગવા માંગણી કરી
જોકે મુકેશભાઈએ માફી માગવા છતાં પણ કારડીયા રાજપૂત સમાજ હજુ નારાજ છે. તેમની માગણી છે કે મુકેશભાઈને તેમના પદ પરથી હટાવી દેવામાં આવે અથવા તેઓ જાહેરમાં રાજપૂત સમાજના યુવાનો સામે સ્ટેજ પર માફી માગે. આ અંગે તેઓ સી.આર પાટીલને પણ રજૂઆત કરશે.
2017ની ચૂંટણી પહેલા પણ કારડીયા રાજપૂત સમાજ નારાજ થયો હતો
નોંધનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કારડીયા રાજપૂત સમાજે જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો હતો. જે બાદ ખુદ અમિત શાહને સમાધાનની ભૂમિકામાં આગળ આવવું પડ્યું હતું. હવે 2022માં ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી ભાજપ કારડીયા રાજપૂત સમાજને નારાજ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
ADVERTISEMENT