સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભૂકંપ આવ્યો છે. AAPના ઉમેદવાર ગુમ થતા ભારે ઉહાપોહ મચ્યો હતો. આ વચ્ચે કંચન ઝરીવાલા આજે નોડલ ઓફિસરની કચેરીએ જઈને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી આવ્યા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં કંચન ઝરીવાલા કહી રહ્યા છે કે તેઓ રાજીખુશીથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી રહ્યા છે.
ADVERTISEMENT
સિસોદિયાનો ચૂંટણી પંચની ઓફિસે ધરણા
દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે સુરતમાં પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલાનું (Kanchan Zariwala) અપહરણ થયું. આ મામલાને લઈને તેઓ ચૂંટણી પંચની ઓફિસ આગળ ધરણા પર બેસી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે AAPના ઉમેદવાર કંચન ઝરીવાલાનું અપહરણ થઈ ગયું અને ગનપોઈન્ટ પર તેમની પાસેથી ફોર્મ પાછું ખેંચાવાયું. ચૂંટણી પંચ માટે આનાથી મોટી ઈમરજન્સી શું હોઈ શકે? આથી તરત જ કાર્યવાહીની પ્રાર્થના સાથે અમે કેન્દ્રીય ચૂંટણી પંચના દરવાજા પર આવ્યા છીએ.
જબરજસ્તી ફોર્મ પાછું ખેંચાવ્યાનો આક્ષેપ
સિસોદિયાએ કહ્યું કે, ‘AAPના ઉમેદવારનું અપહરણ કરી, જબરજસ્તી તેમનું ફોર્મ પાછું ખેંચાવી ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. આ વિરુદ્ધ અપીલ કરવા મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ આવ્યા છીએ.’ આ પહેલા મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિસાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે ગુંડાઓની મદદથી સુરત ઈસ્ટથી આપના ઉમેદવાર કંચન ઝરીવાલાનું અપહરણ કરાવ્યું અને પછી પોલીસના જોરે ફોર્મ પાછું ખેંચાવ્યું. એવામાં ચૂંટણીનો મતલબ જ શું રહેશે?
AAPના ઉમેદવાર નહી લોકતંત્રનું અપહરણ
AAP નેતા સિસોદિયાએ કહ્યું કે, ભાજપ લોકતંત્રની લૂંટ કરી રહી છે. AAPના ઉમેદવાર કંચન ઝરીવાલાને 500 પોલીસકર્મીઓ ઘેરી RO ઓફિસ લઈ ગયા. ભાજપના ગુંડાઓ અને પ્રશાસન દ્વારા કંચન ઝરીવાલા પર ફોર્મ પાછુ ખેંચવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ભાજપે અમારા ઉમેદવારનું અપહરણ નહીં, લોકતંત્રનું અપહરણ કર્યું છે. ચૂંટણી આયોગ માત્ર એટલી કહી રહ્યું છે કે અમે DM અને SPને કહી દીધું છે. મારી ચૂંટણી પંચને અપીલ છે કે આ મામલે નિષ્પક્ષતાથી ઈમરજન્સીના રૂપમાં લે અને અમારા ઉમેદવારને છોડાવવામાં મદદ કરે.
ADVERTISEMENT