ઉત્તરપ્રદેશ: સહારનપુરમાં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબ્બડી પ્રતિયોગિતામાં ખેલાડીઓને ટોઈલેટમાં બનેલી વાનગીઓ ખાવાની ફરજ પડી હતી. આનો વીડિયો વાઈરલ થતા સહારનપુરના સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ જિલ્લા અધિકારીએ તપાસ સમિતિની રચના કરી દીધી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સહારનપુરના ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સબ જૂનિયર કબ્બડી પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે. આ ત્રણ દિવસીય પ્રતિયોગિતામાં સ્ટેટ લેવલના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે 16થી 19 સપ્ટેમ્બર સુધી ચાલી હતી, આમાં 17 ટીમોએ ભાગ લીધો હતો. એટલે કે લગભગ 200થી વધુ લોકોની ટીમ રમવા માટે આવી હતી. આ તમામ ખેલાડીઓ માટે જે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું એ ટોઈલેટમાં બન્યું હતું.
અધિકારીઓની વિરોધાભાસી દલીલ
ખેલાડીઓને ટોઈલેટમાં બનેલું ભોજન પિરસવામાં આવ્યું હતું અને ત્યાં જ ખાવા માટેની યોજના કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ દરમિયાન ભાત પણ કાચા હતા. તેવામાં આવી ગંભીર બેદરકારીના પગલે સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાએ કહ્યું હતું કે જ્યારે જમવાનું બની રહ્યું હતું ત્યારે ભાત ખરાબ આવ્યા હતા જેને ફેંકી ફરીથી બનાવવામાં આવ્યા હતા. જોકે ટોઈલેટમાં જમવાનું બનાવવા મુદ્દે અધિકારીએ અલગ જ દલીલો કરી હતી.
સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાએ કહ્યું કે વરસાદના કારણે સ્વિમિંગ પુલની પાસે ચેન્જિંગ રૂમમાં જમવાનું બનાવવાનો સામન રાખવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેડિયમની ચારેય બાજુ જોઈએ તો નિર્માણ કાર્ય જ ચાલતું હતું. અને વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જમવાનું ટોઈલેટમાં બનાવવામાં આવ્યું હતું.
અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા
વીડિયો વાઈરલ થતા જિલ્લા અધિકારી અખિલેશ સિંહે રજનીશ કુમારને તપાસ કરવાનો આદેશ આપ્યો અને રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. આની સાથે જ તેમણે કહ્યું કે પ્રતિયોગિતામાં ભાગ લેનારા ખેલાડીઓના મોબાઈલ નંબર લેવામાં આવે અને આ અંગે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવે. જોકે ખેલાડીઓને ભોજન પિરસવા માટે ટોઈલેટને કિચન તરીકે ઉપયોગ કરવાના કેસમાં અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT