ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ વખતે ત્રિપાંખીયો જંગ પણ જામી ગયો છે. તેવામાં હવે કોની સરકાર બનશે એ તો જનતાના જ હાથમાં રહેલું છે. તેવામાં જુનાગઢ જિલ્લા પ્રશાસન અધિકારી રચિત રાજ એ ગુજરાતની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અનોખા પ્રકારના 2 બુથ બનાવ્યા છે. આ બુથની શું વિશેષતા છે એ મુદ્દે વિગતવાર માહિતી મેળવીએ..
ADVERTISEMENT
2 અનોખા બુથ બનાવાશે…
અધિકારીએ હ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 2 અનોખા પ્રકારના બુથ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક એનિમલ પોલિંગ બુથ અને બીજુ હેલ્થ પોલિંગ બુથ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પ્રશાસનની અનુમતિ લીધા પછી અમે આ 2 અનોખા બુથ બનાવ્યા છે.
એનિમલ પોલિંગ બૂથની વિશેષતા..
મતદાતાઓ જ્યારે પોલિંગ બૂથ ઉપર મતદાન કરવા માટે આવે છે ત્યારે તેમના માટે ખાસ સુવિધાની વ્યવસ્થા પણ કરાય છે. અહીં મતદાતા પોતાના પાલતુ પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરેને લઈને આવી શકે છે. એમના માટે ખાસ કેર ટેકર ટીમ પણ રાખવામાં આવશે તથા પોલિંગ બૂથ પાસે પાલતુ પશુઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરાશે. ઉલ્લેખનીય છે કે અહીં પાલતુ પશુઓ માટે ખાસ હેલ્થ ચેકઅપ અને કેરની વ્યવસ્થા પણ કરાશે.
હેલ્થ પોલિંગ બૂથની વ્યવસ્થા કરાશે
આ પોલિંગ બૂથ પર કોઈપણ મતદાતા આવીને પોતાના સ્વાસ્થ્યનું ચેકઅપ પણ કરાવી શકે છે. આની સાથે અહીં ટ્રિટમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે અહીં તબીબની ટીમ હાજર રહેશે. બુથમાં બીમાર લોકોના હેલ્થ ચેકઅપ માટે તથા એમના સ્વાસ્થ્યના કાળજીને ધ્યાનમાં રાખતા હેલ્થ પોલિંગ બુથ બનાવાશે.
ઉલ્લેખનીય છે કે જુનાગઢની પાંચ બેઠકો પર એક એક એનિમલ કેર પોલિંગ બૂથ અને હેલ્થ ચેકઅપ પોલિંગ બૂથ બનાવાશે. આ પ્રમાણેની પહેલ સમગ્ર દેશમાં પહેલીવાર થવા જઈ રહી છે. એની શરૂઆત જુનાગઢથી થવી એ ગર્વની વાત છે.
ADVERTISEMENT