ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભાજપમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન જેપી નડ્ડાએ જુનાગઢમાં જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને તેમને ગુજરાતીઓ વિરોધી પાર્ટી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આનીસાથે ગુજરાતની ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ છે એ પણ જણાવ્યું હતું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી તો આ ચૂંટણીમાં પોતાનુ ખાતુ પણ નહીં ખોલાવી શકે.
ADVERTISEMENT
જેપી નડ્ડાએ કહ્યું.. વિકાસનો મુદ્દો જ સર્વોપરી…
જુનાગઢમાં સંબોધન દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે વિકાસનો મુદ્દો જ સર્વોપરી છે. અહીં જનતા વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે. આની સાથે કોંગ્રેસ ગુજરાતીઓ વિરુદ્ધ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મેધા પાટકરે નર્મદા વિરોધી ચળવળ કરી હતી અને કોંગ્રેસ તેમને યાત્રામાં જોડે છે. આનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે કોંગ્રેસ ગુજરાતીઓને પ્રેમ કરતી નથી.
જુનાગઢના કાર્યકર્તાઓને ઠપકો આપ્યો!
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જેપી નડ્ડાએ જુનાગઢમાં ભાજપના કાર્યકર્તાઓને ઠપકો આપ્યો છે. તેઓ આ દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં ભાજપની સ્થિતિને લઈને અસંતુષ્ટ હતા. જેથી કરીને ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે અને થોડી નબળી કામગીરીના પગલે જેપી નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હોવાની માહિતી મળી રહી છે.
AAP તો ખાતુ પણ નહીં ખોલાવી શકે
જેપી નડ્ડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે AAP તો આ ચૂંટણીમાં ખાતુ પણ નહીં ખોલાવી શકે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એ જ હાલ થયા છે એવા જ હાલ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના થશે. AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જવાનો દાવો પણ જેપી નડ્ડાએ કર્યો છે.
ADVERTISEMENT