અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણી અલગ છે. એકબાજુ પૈસાદાર નેતાઓ મતદારોને રીઝવવા લાખોમાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે, બીજી તરફ કેટલાક નેતાઓ જનતા પાસેથી જ કેમ્પેઈન દ્વારા ફંડ એકઠું કરીને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરામાં AAPના ઉમેદવારે પબ્લિક ફંડિંગથી ડિપોઝિટના 10 હજાર ભેગા કરીને ફોર્મ ભર્યું, ત્યારે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર એવા જીગ્નેશ મેવાણી પણ ક્રાઉડ ફંડિંગથી આ ચૂંટણી લડી રહ્યા છે. આ માટે તેમણે કેમ્પેઈન શરૂ કર્યું છે અને લોકોને તેમાં જોડાવવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાણી લોક ફાળાથી ચૂંટણી લડશે
તેમણે યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો બનાવીને મૂક્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, મેં છેલ્લા પાંચ વર્ષોમાં ગરીબ, વંચિત અને હાંશિયા પર જીવવા મજબૂર લોકોની વાત મૂકી છે, તેમના હિતમાં કામ કર્યું છે. તમે બધા જાણો છો કે તમારા અધિકાર માટે મારી આ લડાઈ ભાજપ જેવી ભ્રષ્ટ અને સંવિધાન વિરોધી પાર્ટી સાથે છે. આ લડાઈમાં તમે મારી તાકાત બની શકો છો. ભલે ભાજપ પાસે ખૂબ પૈસા હોય, પરંતુ મારી પાસે તમારો સાથ છે. હું જનતાની આ લડાઈને જનતાના જ ડોનેશનથી લડવા ઈચ્છું છું અને તેમાં મને તમારી મદદ જોઈએ. ઉપર આપેલી લિંક પર ક્લિક કરો અને મને મદદ કરો.
341થી વધુ લોકોએ આપ્યું સમર્થન
જીગ્નેશ મેવાણીએ એક વેબસાઈટની લિંક પર મૂકી છે. https://ourdemocracy.in/campaign/jignesh-mevani જેના પર જઈને લોકો તેમને સપોર્ટ કરવા માટે ડોનેશન આપી રહ્યા છે. આ સમાચાર લખાવા સુધીમાં તેમને 341 સમર્થકો દ્વારા 2.83 લાખથી વધુની રકમ આપવામાં આવી ચૂકી છે.
વડગામથી કોંગ્રેસના ઉમેદવાર છે જીગ્નેશ મેવાણી
નોંધનીય છે કે, 2017માં જીગ્નેશ મેવાણી અપક્ષથી વડગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. જોકે આ વખતે તેમને કોંગ્રેસમાંથી વડગામની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT