બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે બનાસકાંઠાના થરામાં કોંગ્રેસની સભા હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપવા સાથે સાથે બિલકિસ બાનુના 11 દોષિતોને છોડી મુકવા મામલે પણ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસના 70 વર્ષનો આપ્યો હિસાબ
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, એક પણ વ્યક્તિ ભાજપને વોટ આપશે તો આ 1100 રૂપિયાનો બાટલો 2000માં વેચાવાનો છે. ગુજરાતની 70-80 ટકા ગરીબ વસ્તી પોતાના બાળકને એક સફરજન ન ખવડાવી શકે તેવી હાલત કરી છે. ઘીનો ડબ્બો ખરીદવાનું છોડો,તેલનો ડબ્બો ન ખરીદી શકીએ તેવી હાલત કરી છે અને આપણને પૂછે છે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું.નર્મદા ડેમના પાયાની પહેલી ઈંટ કોંગ્રેસ પાર્ટીએ મૂકી. મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા તે કોંગ્રેસે બનાવી હતી. આપણા ગામની પાણીની ટાંકી કોંગ્રેસે બનાવી, તાલુકાનો રોડ-રસ્તો કોંગ્રેસે બનાવ્યો, તાલુકાની કચેરી ગુજરાતના 33 જિલ્લાની પંચાયતોના મકાનો, GEBની ઓફિસ, સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ આ તમામે તમામ કોંગ્રેસ પાર્ટીએ બનાવી.
બિલકિસના આરોપીઓને છોડવા પર ભાજપ પર કર્યા પ્રહાર
બિલકિસના ગુનેગારોને છોડવા મુદ્દે મેવાણીએ કહ્યું, બિલકિસ ગુજરાતની દીકરી છે, મારા માટે ભારતની દીકરી છે, તે પ્રેગ્નેટ હતી તેના પર 11 નરાધમોએ સામુહિક બળાત્કાર કર્યો. એની આંખની સામે દીવાલ પર પછાડી 3 વર્ષના બાળકને મારી નાખ્યું.બીજા 6 વ્યક્તિના ખૂન કર્યા. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં છેલ્લા શ્વાસ સુધી આ તમામ હત્યારા, બળાત્કારીઓને આજીવન કેદની સજા કરી. પરંતુ ભાજપ સરકારે આ 11 બળાત્કારીઓને છોડી મૂક્યા. જેલના જાંપે ભાજપના હોદ્દેદારો તેમને લેવા ગયા, સ્વાગત કર્યું, ઢોલ વગાડ્યું, મિઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કારો સારા હતા એટલે છોડ્યા. આ ગુજરાત રવિશંકર મહારાજનું? 23 વર્ષની ઉંમર ભગતસિંહ ફાંસીએ ચડ્યા. આ દિવસ જોવા માટે? ભાજપના મતદારો તમે પણ મારા જ ગુજરાતના ભાઈઓ છો.તમારું બાળક મોટું થશે ત્યારે તમને સવાલ કરશે.
ADVERTISEMENT