નરેન્દ્ર પેપરવાલા ,નર્મદા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતનો ગઢ જીતવા માટે રાજકીય પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ તોડ જોડની રાજનીતિનો સહારો લઈ રહ્યું છે. તો કોઈ ગઠબંધનનો સહારો લઈ રહ્યું છે. આ દરમિયાન બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગઠબંધન થયું હતું. ત્યારે ગઠબંધન બાદ આજે જેડીયુ એ ગુજરાત પ્રદેશના સંગઠનને ભંગ કર્યું છે.
ADVERTISEMENT
2 દિવસ પહેલા થયું હતું ગઠબંધન
છોટુ વસાવાની હાજરીમાં બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ છોટુ વસાવાએ જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કર્યો છે. છોટુ વસાવાએ કહ્યું કે, જેડીયુના મદદ થી અમે ચૂંટણી લડીશું. આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે.
મહેશ વસાવા ગઠબંધનથી હતા અજાણ
ધારાસભ્ય છોટુભાઇ વસાવાના નિવેદન બાદ તરતજ મહેશ વસાવાએ આ વાતનું ખંડન કરીને જણાવ્યું હતુ કે, તેમની પાર્ટી બીટીપી જેડીયુ સાથે ગઠબંધન નહી કરે. તેમના પિતા છોટુભાઈ વસાવાએ બીટીપી સાથે ગઠબંધન કરવાની જે વાત કરી તેના અનુસંધાને મહેશભાઇ વસાવાએ કહ્યુ હતું કે, આ તેમનું અંગત મંતવ્ય હોઇ શકે.
ગઠબંધન પર લટકતી તલવાર
JDU એ ગુજરાતનું સંગઠન ભંગ કર્યું છે ત્યારે ગુજરાતમાં થયેલ ગઠબંધન અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે મહેશ વસાવા આ ગઠબંધન માટે તૈયાર ન હતા.
ADVERTISEMENT