જામનગરના સખી બુથને બાંધણી વડે શણગારાયું, મહિલા કર્મીઓએ મતદારોને ખાસ સહાય કરી

દર્શન ઠક્કર/ જામનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે જિલ્લામાં પહેલા ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/ જામનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે જિલ્લામાં પહેલા ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ મતદાન કરી પોતાની ફરજ નિભાવી રહેલા જોવા મળ્યા હતા. ત્યારે મતદાન કરવા આવતાં મહિલા મતદારો માટે સખી બૂથની મહિલા કર્મીઓ સાચ્ચા અર્થમાં ‘સખી’ બની મતદાનની પ્રક્રિયા સમજાવી તેઓને મતદાનની ફરજમાં મદદરૂપ બની રહી છે.

બાંધણીથી સખી બુથ શણગારાયું…
જામનગર શહેરના જે.સી.મહેતા વિદ્યાલય ખાતે આવેલા આવા જ એક સખી મથકમાં અનોખી રીતે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. અહીં ફરજ પર રહેલી મહિલા કર્મીઓ જામનગરની પ્રખ્યાત બાંધણી વડે સખી બુથને શણગાર્યું હતું. એટલું જ નહીં અહીં મહિલા મતદારોને મિત્ર બનીને મતદાન પ્રક્રિયા સમજાવતા જોવા મળી હતી. જોકે આ દરમિયાન સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર જામનગરની બાંધણીઓ વડે શણગારાયેલું બુથ રહ્યું છે.

જામનગરમાં 35 સખી બુથ કાર્યરત
જો મહિલાઓ જ મહિલાઓની માર્ગદર્શક અને સહાયક બને તો સામાજિક રીત-રિવાજો સાથે મતદાનની ફરજ અદા કર્યાનો સંતોષ પણ મેળવી શકાય છે. આ વિચાર સાથે વિધાનસભા 2022ની ચૂંટણીમાં સંપૂર્ણ મહિલા સંચાલિત સખી બૂથ કાર્યરત કરાયા છે. જેમાં જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 35 સખી બૂથ કાર્યરત છે. જ્યાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિત સંપૂર્ણ સ્ટાફ મહિલાઓનો છે. આ મહિલાઓ સતત ખડેપગે રહીને વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત કાર્યરત છે.

    follow whatsapp