દર્શન ઠક્કર/જામનગર: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠકથી લડ્યા અને જીત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદથી જ રિવાબા સતત લોકોને મદદરૂપ થવાની સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં થઈ રહેલા સરકારી કામકાજ પર નજર રાખી રહ્યા છે. ત્યારે આજે ગોકુલ નગરમાં ચાલતા RCCના રોડમાં ગેરરીતિ જણાતા રિવાબાએ અધિકારીઓ અને સ્થાનિકોની સામે જ કોન્ટ્રક્ટરને ખખડાવી નાખ્યા હતા અને ફરીથી યોગ્ય માપદંડો મુજબ રોડ બનાવવા સૂચન કર્યું હતું.
ADVERTISEMENT
સ્થાનિકોએ રોડનું નબળું કામ થતું હોવાની ફરિયાદ કરી હતી
જામનગરમાં વોર્ડ નંબર 15માં આવતા ગોકુલનગરના મથુરા નગરમાં ચાલતા RCCના રોડમાં નબળું કામ થતું હોવાની જાણ સ્થાનિકોએ કરી હતી. જેને લઈને રિવાબા તપાસ કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને ત્યાં પહોંચી ગયા હતા. રોડની મેઝર ટેપથી તપાસ કરતા 6 ઈંચની જગ્યાએ માત્ર 3 ઈંચની જોડાઈ રોડમાં હતી. આ બાદ તેમણે કોન્ટ્રાક્ટરને સવાલ કરતા સાપ સૂંઘી ગયો હોય તેવા હાલ થઈ ગયા હતા. રિવાબાએ તાત્કાલિક ધારાધોરણો મુજબ કામ કરવાના આદેશ કર્યા હતા.
રિવાબાએ અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કર્યું
આ અંગે રિવાબાએ કહ્યું હતું કે, વોર્ડ 15માં નવા બનતા રોડ-રસ્તાનું સુપરવિઝન કરવા માટે નીકળ્યા હતા. જેમાં ધોરા ધોરણો અને પહોળાઈ તથા જાડાઈના ધોરણોમાં ક્ષતિ જોવા મળી હતી. આથી જે-તે કોન્ટ્રાક્ટરને ફરીથી કામ કરવા સૂચના આપી છે. જે કોઈ પણ અધિકારીઓ આ મુદ્દા સાથે સંકળાયેલા હશે તેમની આગળ તપાસ કરી આવી ભૂલો અટકાવવા તેમને યોગ્ય દંડ અને સજા કરાવીશું. આ સાથે તેમણે મતદારોને પણ જાગૃત થઈ આવી બેદરકારી ક્યાંય જણાય તો ધ્યાન દોરવા જણાવવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં ઉપરની મલાઈ લેવા કેટલાક શખ્સો નબળી ગુણવત્તા વાળું કામ કરી, પ્રજાને ગુણવત્તા વગરનું કામ કરી વાહવાહી કરતા હોય છે. જો કે, આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધીએ લાલ આંખ બતાવતા, સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા.
ADVERTISEMENT