ટિકિટ મુદ્દે વધુ એક સમાજનો હુંકાર, જામનગરમાં સભા યોજી સમાજ માટે કરી ટિકિટની માગણી

જામનગર: ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) નજીક આવતાની સાથે જ જુદા જુદા સમાજો ટિકિટની માગણી સાથે સામે આવી રહ્યા છે. ગઈકાલે જ અરવલ્લીમાં કરણી સેનાના અધ્યક્ષ…

gujarattak
follow google news

જામનગર: ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) નજીક આવતાની સાથે જ જુદા જુદા સમાજો ટિકિટની માગણી સાથે સામે આવી રહ્યા છે. ગઈકાલે જ અરવલ્લીમાં કરણી સેનાના અધ્યક્ષ દ્વારા ક્ષત્રિય સમાજને ટિકિટ આપવાની માગણી કરાઈ હતી, ત્યારે હવે જામનગરમાં જૈન સમાજ દ્વારા તેમના સમાજને ચૂંટણીમાં ટિકિટ આપવાની માગણી કરવામાં આવી છે.

જામનગરમાં જૈન સમાજનો ટિકિટ માટે હુંકાર
જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુંબઈથી પણ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી, ઉપરાંત મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કરણી સેનાએ ક્ષત્રિય સમાજ માટે 60 ટિકિટની માગણી કરી
નોંધનીય છે કે, ગઈકાલે જ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અરવલ્લી જિલ્લાની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે બાયડના ડાભા, આંબલિયારા, લીંબ, અમોદર સહિતના ગામોમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને ચૂંટણી પહેલા જ ક્ષત્રિય સમાજને એક થવા હાકલ કરી હતી. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટો ક્ષત્રિય સમાજ માટે માગી હતી અને ટિકિટ નહીં મળવા પર અપક્ષમાંથી ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી છે.

પાટીદાર અને કોળી સમાજ પણ ટિકિટ મુદ્દે મેદાને
આ પહેલા ઉમિયાધામના પ્રમુખ દ્વારા પાટીદાર સમાજને ચૂંટણીમાં 50 જેટલી ટિકિટ તથા કોળી સમાજના આગેવાનો દ્વારા પણ તેમના સમાજના આગેવાનોને ચૂંટણીમાં 72 ટિકિટ આપવાની માગણી કરી ચૂકાઈ છે. ત્યારે હવે વધુ એક સમાજ ટિકિટ મુદ્દે મેદાનમાં આવ્યો છે. એવામાં વિવિધ સમાજની આ માગણીઓ રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે.

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)

 

    follow whatsapp