દર્શન ઠક્કર, જામનગર: આપણે મોબાઈલ ચોરાવાના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. પરંતુ હવે તો હદ થઈ છે. જામનગરમાં આખેઆખો મોબાઈલ ટાવર ચોરવાની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના કાલાવડના નવાગામે પ્લોટ ખાતે લગાવેલ મોબાઇલ ટાવર અને ગેઈટ સહિતનો મુદામાલ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અને આ અંગે ફરીયાદ દાખલ થતા ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે વાહન અને ઘરફોડ ચોરી તેમજ કેબલ કાપી જવાના બનાવો સામે આવતા હોય છે. એટલું જ નહીં અનેક મોબાઈલ ફોન પણ ચોરી થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદ માં સામે આવતું હોય છે. પરંતુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં તો તસ્કરોએ અજબ પ્રકારની કળા કરી હતી. આખે આખો ટાવર, લોખંડનો ગેઇટ સહિત ચોરી કરી ગયા હતા.
જો કે ટાવર ચોરીની કંપનીને પણ મોડેથી જાણ થઈ હોય. અને હાલ ફરીયાદ કરવામાં આવતા સમગ્ર મામલે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. કાલાવડ તાલુકાના નવાગામે રણછોડ ભુટાભાઈ અકબરીના પ્લોટમાં લગાવેલ જીટીએલ લી. કંપનીનો લોખંડનો 50 મીટર ઉંચાઇવાળો મોબાઈલ ટાવર જેની કિ. રૂા. 5.20 લાખ તથા લોખંડના સળીયાવાળો ગેઇટ 3 હજાર રૂપીયા અને ફેનસિંગ તાર મળી કુલ 5.25 લાખનો મુદામાલ માર્ચ-2020 ની સાલથી જુન-2022 વચ્ચે કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઈ ગયા છે.
આ અંગેની વિગતો સામે આવતા અમદાવાદ નવરંગપુરા કલ્પના સોસાયટીમાં રહેતા કંપનીના કર્મચારી મહમદ આરીફ લીયાકતઅલી સીપાઈ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા શખ્સો સામે મોબાઈલ ટાવર ચોરીની ફરીયાદ કરી છે. જેની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જો કે આખેઆખો મોબાઈલ ટાવર જ ચોરી થઈ ગયા નું પોલીસને ફરિયાદ મળતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT