અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વટવા વિધાનસભા અને ઠક્કરબાપાનગર વિધાનસભામાં સભા ગજવતા ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરનારી ભાજપનો દાવો છે કે તેમણે ખૂબ વિકાસ કર્યો છે. પણ આજે પ્રચારમાં તેમની વાતો સાંભળીએ તો ખ્યાલ આવે છે કે વિકાસની બધી વાતો પોકળ સાબિત થઈ છે. જો ગુજરાતમાં ખરેખર વિકાસ થયો હોત, તો શા માટે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે?
ADVERTISEMENT
ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સાત રાજ્યના મુખ્યમંત્રીઓ એક નાયબ મુખ્યમંત્રી 17 કેન્દ્રીય મંત્રી અને એ સિવાય છૂટક ધારાસભ્યો અને અલગ અલગ રાજ્યોમાં કામ કરતા નાના-મોટા નેતાઓ મળીને 2,000 થી વધુ નેતાઓ કામે લાગ્યા છે. ગુજરાતમાં વિકાસ થયો છે એવું કહીને ભાજપે કેન્દ્રમાં સત્તા મેળવી અને જ્યારે ગુજરાતની ચૂંટણી આવી ત્યારે સાત રાજ્યના મુખ્યમંત્રીઓ આપણને સમજાવી રહ્યા છે કે ગુજરાતમાં સૌ સારું થયું છે તો ભાજપને વોટ આપો. ગુજરાતમાં માત્ર અને માત્ર નેતાઓનો વિકાસ થયો છે. જો ગુજરાતમાં ખરેખર વિકાસ થયો હોત, સારી શાળાઓ બની હોત, સારી હોસ્પિટલો બની હોત, સારી જન સુવિધાની વ્યવસ્થા ઊભી થઈ હોત, ભ્રષ્ટાચાર નાબૂદ થયો હોત તો શા માટે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે?
વાયરલ વિડીયો અંગે આપ્યું નિવેદન
ગોપાલ ઇટાલીયાએ વાયરલ વિડીયો અંગે નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતની જનતાને 27 વર્ષ સુધી વોટ આપીને પોતાની સેવા કરવાનો મોકો આપ્યો પરંતુ આ લોકો ખોટા ઓડિયો વીડિયો વાયરલ કરીને જનતાને જ ગુમરાહ કરે છે. જ્યારે જનતા આવા ખોટા મેસેજ પત્રિકાઓ અને ખોટા ઓડિયો વીડિયો થી છેતરાઈ જાય અને ભાજપને મત આપી દે છે પછી ભાજપ મોંઘવારી વધારે અને કૌભાંડ કરે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ખાતરના ભાવમાં 52% નો જબરદસ્ત વધારો ઝીંકાયો. વારંવાર ગેસના બાટલાના ભાવ વધારે છે. એકબીજા સમાચાર જોયા હતા જેમાં ભાજપ સરકારમાં ખેડૂતોના નામે પાક વિમાનું 25,000 કરોડનું કૌભાંડ થયું હતું.
કોમવાદને લઈ આપ્યું નિવેદન
ગોપાલ ઇટાલીયાએ કોમવાદને નિવેદન આપતા કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ હિંદુ મુસલમાન પાકિસ્તાન આતંકવાદ ની વાતો કરે છે અને લોકોને ભ્રમિત કરે છે અને ચૂંટણી જીત્યા પછી શાળાઓની ખરાબ હાલત કરે છે. ગુજરાતની 700 સરકારી શાળાઓ એક શિક્ષક થી ચાલે છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે આ શાળાઓમાં કેવું શિક્ષણ મળતું હશે? ચૂંટણી સમયે ભાજપ કોમવાદની વાતો કરે છે. આમ આદમી પાર્ટી વિશે અનેક બનાવટી પત્રિકાઓ બનાવીને વેચી રહ્યા છે. જાતિ અને ધર્મના સંવેદનશીલ મુદ્દાઓ વિશે આમ આદમી પાર્ટીના નામ અને ફોટા વાળી પત્રિકાઓ બનાવીને ભાજપના લોકો જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. બનાવટી ઓડિયો અને વિડિયો વાયરલ કરે છે અફવા ફેલાવે છે.
ADVERTISEMENT