મોરબી દુર્ઘટના: ઇટાલીયાની જાહેરાત, આજે પણ AAP કોઈપણ રાજકીય કાર્ય નહીં કરે

અમદાવાદ: મોરબીની ઘટનાને લઈ દેશ ભરમાં પડઘા પડ્યા છે. ઝૂલતો પૂલ તૂટી જતા મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. તેવામાં આ દર્દનાક દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં સતત…

gopal italia

gopal italia

follow google news

અમદાવાદ: મોરબીની ઘટનાને લઈ દેશ ભરમાં પડઘા પડ્યા છે. ઝૂલતો પૂલ તૂટી જતા મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. તેવામાં આ દર્દનાક દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને મૃતકોના પરિવારજનોને હું આમ આદમી પાર્ટી વતી સંવેદના વ્યક્ત કરું છું. સહાનુભૂતિ અને આશ્વાસન વ્યક્ત કરવા અમે કેન્ડલ માર્ચ કરીશું. આજે પણ અમે નક્કી કર્યું છે કે આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગઈકાલે મોરબીમાં પુલ તૂટવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. અત્યારે જે મૃતકોની સંખ્યાના આંકડા આવ્યા છે તે 150 કરતાં પણ વધારે છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને મૃતકોના પરિવારજનોને હું આમ આદમી પાર્ટી વતી સંવેદના વ્યક્ત કરું છું. જેટલા પણ લોકો ઘાયલ છે તે તમામને ભગવાન સ્વસ્થતા અર્પે એવી પ્રાર્થના હું ભગવાનને કરું છું.

લોકો માટે કરી પ્રાર્થના
ગઈકાલે મોરબીમાં જે દુઃખદ ઘટના ઘટી તે દુઃખદ ઘટનામાં સહભાગી થવા માટે, તે દુઃખદ ઘટનામાં સરકારના સહકારી તંત્રને મદદરૂપ થવા માટે, પીડિત વ્યક્તિઓને સાથ આપવા માટે અને એક માણસ બનીને માનવતાની ફરજ બજાવવા માટે, હું અને અમારા નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને અમારી મોરબીની ટીમ ઘટના સ્થળે હાજર રહી અને જે કંઈ પણ સેવાકાર્ય અમે કરી શકે એમ હતા એ સેવાકાર્યો કર્યા. અમારા આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ સેવાકાર્યની અંદર પોતાનું કિંમતી યોગદાન આપ્યું હતું. હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું. હજી પણ રાહતકાર્યનું કામ ચાલુ છે અને અમુક લોકો મળી નથી આવ્યા, ભગવાન તમને મદદરૂપ થાય અને જલ્દીથી લોકો આ દુઃખદ ઘટના માંથી બહાર આવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.

આજે પણ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં
આજના આયોજન અંગે ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ ગઈકાલે નિર્ણય કરેલો કે મોરબીની ઘટનામાં જ્યાં સુધી બચાવ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી ન થઈ જાય, એક એક વ્યક્તિને જ્યાં સુધી સલામત સ્થળે પહોંચાડવામાં ન આવે, ત્યાં સુધી બિનજરૂરી ચર્ચામાં અમે નહીં ઉતરીએ. આજે પણ અમે નક્કી કર્યું છે કે આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ અને એ અનુક્રમમાં મોરબીના જે પીડીતો છે અને જે મૃતકો છે એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમારા રાષ્ટ્રીય આદર્શ અરવિંદ કેજરીવાલના આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે અરવિંદ કેજરીવાલજી હરિયાણાની અંદર પેટા ચૂંટણી હેતુ એક રોડ શોમાં હાજરી આપવાના હતા. જે રોડ શો મોરબીની ઘટનાની સંવેદનાના ભાગરૂપે રદ કરવામાં આવ્યો છે. ગુજરાતના પણ તમામ રાજકીય કાર્યક્રમ આજે બંધ રહેશે.

તમામ વિધાનસભામાં કેન્ડલ માર્ચ કરાશે
આ સાથે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આ દુઃખની ઘડીમાં સંવેદના વ્યક્ત કરવા, સહાનુભૂતિ વ્યક્ત કરવા અને ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતની સાથે ઊભા રહેવા માટે ગુજરાતની તમામ વિધાનસભામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજના સમયે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જાહેર જનતા સાથે મળીને એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢીને મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને જે ઘાયલો છે અને મૃતકજનોના પરિવારજનો છે તેમને સંવેદના, સહાનુભૂતિ અને આશ્વાસન વ્યક્ત કરવાનું કામ અમે કેન્ડલ માર્ચના માધ્યમથી કરવાના છીએ.

    follow whatsapp