અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થતાંની બીજી સવારે સુરતમાં ITની ટીમે દરોડા પાડવાની શરૂઆત કરી દીધી છે. ITની ટીમે સુરતમાં હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરો પર તવાઈ કરી છે. સુરતમાં નામાંકિત ડાયમંડ વેપારી જૂથ ધાનેરા ગ્રુપ ઉપર ઇન્કમટેકસે તવાઈ કસી છે.
ADVERTISEMENT
ધાનેરા ડાયમંડ અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડી તપાસ કરવામાં આવી રહી છે. હીરા ઉઘોગમાં રેડ પડતા જ સુરતમાં ફફડાટ ફેલાયો છે. ઘર, રહેઠાણ, ઓફીસ સહિતની જગ્યાએ તપાસ શરુ કરવામાં આવી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડાયમંડ ગ્રુપ સાથે જોડાયેલા અને અન્જય મીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હીરા ઉઘોગ સાથે બિલ્ડરોને ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. 12 કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરાતા શહેરના ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત અને મુંબઈ સહિત કુલ 35 જગ્યા ઉપર IT વિભાગ સપાટો બોલાવી રહ્યું છે.
જે ડાયમંડ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે સુરતનું ડાયમંડ ગ્રુપ મુંબઈમાં પણ વેપાર ધરાવે છે. હાલ તો આઈટી વિભાગની ટીમે મુંબઈ અને સુરત બંને જગ્યાએ દરોડા પાડ્યા છે. જો કે ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી ચર્ચાનો વિષય બની છે. ધાનેરા ગ્રુપ મોટુ હોવાને કારણે તપાસ બાદ મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT