અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી જનતાને આકર્ષવા વિવિધ મુદ્દાઓને લઈ ચૂંટણી મેદાનમાં આવી ગઈ છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયોના વિવાદે રાજકીય હોબાળો મચાવ્યો છે. આ અંગે ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કરતા પાટીદાર સમાજ પર એક મોટો બફાટ કરી નાખ્યો.
ADVERTISEMENT
પાટીદાર નેતાઓને ભાજપે ખરીદી લીધા
ઈસુદાન ગઠવીએ કહ્યું કે, ભાજપ સરકાર વર્ષોથી પટેલ વિરોધી માનસિકતા ધરાવે છે. જ્યારથી કેશુબાપાને અડધી રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ કાઢી મૂક્યા અને પટેલ સમાજનું અપમાન કર્યું હતું ત્યારથી ભાજપા કેટલાક નેતાઓએ પટેલ સમાજના કેટલાક યુવાનો આગળ આવે તે જોઈ નથી શકતા. અને તેનું ઉદાહરણ આપું તમને. પટેલ સમાજે આંદોલન કર્યું ત્યારે એકે એક પટેલ સમાજના નેતાઓ હતા તેને તોડી, ફોડી અને ભાજપમાં જોડી, ભાજપની ભાષા બોલાવવાનું શરૂ કર્યું અને તેમાં સફળ થયા.
શામ, દામ, દંડ ભેદથી ભાજપ પટેલ સમાજને પોતાના પક્ષમાં કરે છે
તેમણે વધુમાં કહ્યું કે, હાર્દિક પટેલ જેવા નેતાને પણ પોતાનો ખેસ પહેરાવવામાં સફળ થયા. ગોરધન ઝડફિયા જેવા વ્યક્તિને પણ પોતાનો ખેસ પહેરાવવામાં ભાજપવાળા સફળ થયા. ગોપાલ ઈટાલિયા ભાજપ સામે અડીખમ લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઈટાલિયાને ખરીદી શકે. ભાજપે તેની સામે પડેલા પટેલ સમાજના તમામ કેટલાક આગેવાનોને શામ, દામ, દંડ, ભેદથી ખરીદી નારાજ પટેલ સમાજને ફરીથી પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરે છે. વર્ષોથી ભાજપની આ ચાલ ચાલે છે.
ઈસુદાનનો બફાટથી થઈ શકે નુકસાન
નોંધનીય છે કે, ભાજપ સરકાર પર પ્રહાર કરતા કરતા આપના ઈસુદાન ગઢવીએ પાટીદાર સમાજ પર જ બફાટ કરી નાખ્યો અને પાટીદાર સમાજના નેતાઓ વેચાઈ જતા હોવાનું કહી દીધું. તેવામાં હવે જોવાનું રહેશે કે ભાજપ અને ખાસ કરીને પાટીદાર સમાજ આ નિવેદન પર શું પ્રતિક્રિયા આપે છે.
ADVERTISEMENT