અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ આજે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદના પ્રવાસે આવેલા કેજરીવાલે આજે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી. મુખ્યમંત્રીના ચહેરા માટે AAPએ કરેલા પોલમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા.
ADVERTISEMENT
‘રાજનીતિ મારો શોખ નથી મારી મજબૂરી છે’
જે બાદ ઈસુદાન ગઢવીએ આજે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે રાજનીતિમાં કેમ આવ્યા તે માટે પણ જણાવ્યું હતું. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે રાજનીતિની તાસીર બદલી નાખી. મારા જેવો નાના ખેડૂતનો દીકરો આજે અહીં પહોંચ્યો છે. હું કરિયરના ટોચ પર હતો ત્યારે નોકરી છોડી રાજનીતિમાં પ્રવેશ્યો. મને ઘણા લોકો કહેતા કે તમે મૂર્ખ છો. મેં રાજીનામું આપ્યું ત્યારે ગોપાલભાઈ અને મનોજભાઈ બંને મારી પાસે આવ્યા અને કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાનભાઈ તમારે રાજીનીતિમાં આવવું જોઈએ. જો તમે શો ચલાવો છો તો તમે અવાજ તો ઉઠાવશો પરંતુ આ નિર્ભર સિસ્ટમ તમને એ કામ નહીં કરવા દે. અટલે મેં નક્કી કર્યું કે હું રાજનીતિમાં જઈશ. રાજનીતિ મારો શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતના લોકોની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યું છું.
મેં ખેડૂતો, બેરોજગારો, મહિલાઓનો અવાજ બનાવાનો પ્રયાસ કર્યો છે. મારાથી થઈ શકતું હોય એટલું મેં કર્યું. અરવિંદજીએ મને કહ્યું, તમે ખાલી ન્યૂઝ ચલાવી શકો છો ઓર્ડર નથી કરી શકતા. સિસ્ટમ એટલી સડેલી છે કે તમારે સાફ કરવા અંદર ઉતરવું પડશે. આજે મારા માતાજી અહીં બેઠા છે, હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું, મારા પિતાનું નિધન થયું એ પહેલા તેમણે કહ્યું હતું કે, તારે ગામથી પાછા અમદાવાદ જવાનું છે મને વચન આપ. આજે હું તેમને યાદ કરું છું. તેમનો આશીર્વાદ હંમેશા મારા પર છે. મને ખબર નથી પણ કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે જે મને સપોર્ટ કરી રહી છે. સૌથી મોટી વાત મને અરવિંદજીમાં એ લાગી કે તેઓ રાજનીતિ કરવા નહીં બદલવા આવ્યા છે.
lતેમણે આગળ કહ્યું, હું ગુજરાતની જનતાને ભગવાનની સાક્ષીમાં વાયદો કરો છું, મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. મારો પરિવાર છે તેમણે પણ નહોતી ખબર કે હું રાજનીતિમાં જઉં છું, મેં તેમને બે દિવસ સુધી મનાવ્યા છે. મારી પાસે ખેડૂતો તેમની સમસ્યાઓ લઈને આવી જતા હતા. જો આપણે સારા લોકો રાજનીતિમાં નહીં જઈએ તો આ લોકો લૂંટી લેશે. આ ખેડૂતોને વાયદો કરું છું કે ભગવાને ઈચ્છ્યું, તો હું તમને આશ્વાસન આપું છું કે 75 વર્ષમાં જે નથી થયું, તે હું 5 વર્ષમાં ન કરી શકું તો હું રાજનીતિ છોડી દઈશ.
જેમણે મારા માટે વોટિંગ કર્યું તેમનો આભાર માનું છું. મુખ્યમંત્રી હું નહીં, AAPની સરકાર બને છે તો 6.50 કરોડ જનતા મુખ્યમંત્રી પદના શપથ લેશે. હું ખેડૂતોને વિનંતી કરું છું એકવાર તક આપજો. આગામી દિવાળીએ તમને ભાવ ન મળે તો લાત મારીને AAPને કાઢી નાખજો. જ્યાં સુધી મારા પ્રાણ છે ત્યાં સુધી ઈસુદાન ગઢવી ગુજરાત માટે વફાદારીથી કામ કરશે. ગુજરાતની જનતા માટે હું ગોળીઓ પણ ખાઈશ. ગુજરાતની જનતા માટે આપણે એક થઈને કામ કરીશું.
ADVERTISEMENT