અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન AIMIM અને ભાજપ વચ્ચે થયેલી મિટિંગ અંગે ગુજરાતમાં સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે આ મામલે ઇસુદાન ગઢવીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, બંધબારણે મીટીંગ કરવાનું ઉદ્દેશ્ય શું છે? શું કેટલીક સીટો ઉપર ભાજપને ફાયદો કરાવવાની રણનીતિ બની છે?
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ AIMIM અને ભાજપ વચ્ચે થયેલ મિટિંગ અંગે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ અને ઓવૈસીની પાર્ટીના નેતાઓએ બંધ બારણે મીટીંગ કરી છે. મીટીંગની જે માહિતી બહાર આવી છે તે ચોંકાવનારી છે. ગુજરાતમાં કામની રાજનીતિની જે ચર્ચા થઈ રહી છે, મુદ્દાની રાજનીતિ પર જેમ લોકો જઈ રહ્યા છે, તેણે કઈ રીતે ડહોળવામાં આવે તે મુદ્દે ચર્ચા થઈ હોય, તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે, પરંતુ અહીંયા ભાષણોના માધ્યમથી બંને કોમો વચ્ચે એક વૈમનસ્ય પેદા થાય તેવી કોશિશ કરવામાં આવી છે. બંધબારણે મીટીંગ કરવાનું ઉદ્દેશ્ય શું છે? શું કેટલીક સીટો ઉપર ભાજપને ફાયદો કરાવવાની રણનીતિ બની છે?
ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે
ઇસુદાન ગઢવીએ ભાજપ અને AIMIM પર પ્રહાર કરતાં કહ્યું કે, જે અંદર અંદર ખીચડી પકાવી છે તે ગુજરાતી જનતા જાણવા માંગે છે. હું સી.આર.પાટીલ અને ઓવૈસીને બંનેને વિનંતી કરું છું કે તમે ખુલાસો કરો કે મીટીંગોમાં તમારી વચ્ચે શું નિર્ણય લેવાયો છે? તમે શું ગુજરાતની જનતાને ભરમાવવાની કોશિશ કરી રહ્યા છો? ગુજરાતની જનતા બધું જાણી ગઈ છે. તમારી જે ગુપ્ત મીટીંગ થઈ રહી છે, તમે જે પ્લાન કરી રહ્યા છો. પણ ગુજરાતમાં શાંતિ ડહોળશો તો ગુજરાતી જનતા સાખી નહી લે. એટલે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય રહેવા દો. ભાજપ અને ઓવૈસીની પાર્ટીના નેતાઓએ જે પ્લાન કર્યા છે તેવા સમાચારો આવી રહ્યા છે એ સાચા હોય તો ખૂબ જ દુઃખદાયક વાત છે અને હું બંનેને અપીલ કરીશ કે તમે આનો ખુલાસો કરો અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એની ગેરંટી એની જવાબદારી તમે લો.
ADVERTISEMENT