અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન અનેક દિગ્ગજોએ પોતાના ફોર્મ ભર્યા અને એફિડેવિટ રજૂ કરીને પોતાની સંપત્તિ, તેમની સામેના ગુનાઓ સહિતની માહિતી આપી હતી. ગઈકાલે AAPના CMના પદના ચહેરા ઈસુદાન ગઢવીએ પણ ગઈકાલે ખંભાળિયાથી ફોર્મ ભર્યું હતું, ત્યારે એફિડેવિટ મુજબ તેમની સામે હાલમાં કેટલા કેસ છે, તેમની સંપત્તિ કેટલી છે? તેના પર એક નજર કરીએ…
ADVERTISEMENT
ઈસુદાન ગઢવી પાસે કેટલી સંપત્તિ?
ઈસુદાન ગઢવીએ સોગંદનામામાં દર્શાવ્યા મુજબ વર્ષ 2017-18 થી 2021-22 સુધીમાં તેમની આવક કુલ 23 લાખ 15 હજાર 400 રૂપિયા આવક થઈ છે. જેમાં વર્ષ 2021-22માં તેમની આવક 3.06 લાખ દર્શાવાઈ છે. જ્યારે તેમના પત્નીની વર્ષ 2017-18 થી 2021-22 સુધીમાં કુલ 21 લાખ 49 હજારની આવક હતી. તેમાં પણ વર્ષ 2021-22માં તેમની આવક 4.20 લાખ છે જે ઈસુદાન ગઢવીથી પણ વધુ છે.
ઈસુદાન ગઢવી સામે કેટલા કેસ છે?
પત્રકારથી રાજનીતિમાં આવેલા ઈસુદાન ગઢવીએ પોતાના સોગંદનામામાં દર્શાવ્યા મુજબ તેમની સામે બે ફરિયાદ નોંધાયેલી છે. જેમાં એકમાં પાસ પરમિટ વગર નશો કરવો અને અન્ય એક ફરિયાદ હુમલો કરવો, અભદ્ર ભાષાનો પ્રયોગ અને જાહેર મિલકતને નુકસાન કરવાના આરોપમાં નોંધાઈ છે.
બેંકમાં કેટલા પૈસા છે અને કેટલું દેવું છે?
ઈસુદાન ગઢવીએ કરેલાા એફિડેવિટ મુજબ, તેમની પાસે રોકડમાં 3.27 લાખ અને તેમના પત્ની પાસે 1.68 લાખ છે. બે બેંક એકાઉન્ટ છે જેમાં ICIC બેંક એકાઉન્ટમાં 3858 રૂપિયા છે જ્યારે બેંક ઓફ બરોડામાં 1500 રૂપિયા છે. તેમના પત્નીના પણ બે બેંક એકાઉન્ટમાં છે. જેમાં યુનિયન બેંકના એકાઉ્ટમાં 25,791 રૂપિયા છે. જ્યારે HDFC બેંકના એકાઉન્ટમાં 10,000 રૂપિયા છે. ઉપરાંત પતિ અને પત્નીના નામે રૂ.2 લાખની LIC પોલિસી છે. ઈસુદાન પાસે રૂ.48 હજારની કિંમતનું 10 ગ્રામ સોનું છે. જ્યારે તેમના પત્ની પાસે રૂ.5.76 લાખની કિંમતનું 120 ગ્રામ સોનું છે. તેમણે 3 બેંકમાંથી 40.53 લાખની લોન લીધેલી છે, જ્યારે તેમના પત્નીએ પણ ત્રણ બેંકોમાંથી 9.91 લાખની લોન લીધેલી છે.
સ્થાવર અને જંગમ મિલકતો
ઈસુદાન ગઢવી પાસે રૂ.બે ખેતી લાયક જમીન છે. તેની બજાર કિંમત રૂ.19.75 લાખ જેટલી છે, અને બોપલમાં તેમના 3 ફ્લેટ છે, જેની અંદર તેમનો 50 ટકા ભાગ છે. આમ ઘર અને જમીન મળીને તેમની પાસે કુલ 79.75 લાખની સ્થાવર મિલકત છે, ઉપરાંત 19.75 લાખની વારસાગત મિલકત છે. જ્યારે તેમના પત્ની પાસે 1 ફ્લેટમાં 50 ટકા હિસ્સાના આધારે રૂ.15, 50 હજારની સ્થાવર સંપત્તિ છે. એફિડેવિડ મુજબ ઈસુદાન પાસે 5.81 લાખની જંગમ મિલકતો છે. જ્યારે તેમના પત્ની હીરબાઈ જામ પાસે 9.80 લાખની જંગમ મિલકતો છે.
ADVERTISEMENT