ભક્તિ રાજગોર/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પણ એક્ટિવ થયા છે અને મતો અંકે કરવા માટે નવા નવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે. તેવા સમયે રાજ્ય સરકાર બરાબરની ભીંસમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે માલધારી સમાજ ઘણા લાંબા સમયથી વિવિધ પડતર માંગોને લઈને સરકાર સામે નારાજ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 32 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવતા માલધારી સમાજની આ નારજગીનો ફાયદો હવે આમ આદમી પાર્ટી લેવા માટે મેદાનમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ હવે માલધારી સમાજના મુદ્દાઓ ગુજરાતમાં તેમની સરકાર આવતા જ સ્વીકારવાની ખાતરી આપી છે. જે બાદ માલધારી સમાજના આગેવાન દ્વારા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઈસુદાન ગઢવીએ માલધારી સમાજને શું ખાતરી આપી?
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આજે માલધારી સમાજ પર ભાજપે ખૂબ અત્યાચાર કર્યા છે. માલધારી સમાજના વાડાઓ પણ ભાજપે તોડે છે. માલધારી સમાજ વર્ષોથી દુઃખી છે. માલધારીના દીકરા તરીકે આ પીડા હું જાણું છું અને મને અનુભવ છે. આપના નેતા તરીકે માલધારી સમાજને ખાતરી આપું છું, મને ખબર છે તમારા 7-8 મુદ્દા છે. એમાંથી કેટલાક મુદ્દાને તુરંત સમાધાન આવી જાય એવું છે. ગૌચરની જમીનો પર જે લોકો કબ્જા કરીને બેઠા છે, તેની સાથે સાથે કેટલીક જગ્યાએ પાંજરાપોળો બનાવી જોઈએ, જમની અનામત રાખવી જોઈએ તે રખાતી નથી, સહાય પણ પૂરી અપાતી નથી. માલધારી સમાજને હું વિનંતી કરું છું કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. AAPની સરકાર બનતા સાથે જ આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે.
AAPની જાહેરાતથી માલધારી સમાજમાં ખુશીની લહેર
ઈસુદાન ગઢવીના વીડિયો બાદ માલધારી સમાજના આગેવાન, કિરણ દેસાઈએ કહ્યું, ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આપની સરકાર બનશે તો તે માલધારી સમાજના જે મુદ્દાઓ છે 7-8 તેનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવીશું. એટલે માલધારી સમાજ બહુ ખુશીની લહેરમાં છે, માલધારી સમાજ ધીમે ધીમે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસની નીતિ કોઈ દિવસ સ્પષ્ટ નથી રહી માલધારીઓ તરફ અને કોંગ્રેસને મત આપીએ તો પણ એ લોકો ભાજપમાં જતા રહેતા હતા. એટલે આ વખત માલધારી સમાજ આપ તરફ વળ્યો છે. શિક્ષણની નીતિ ગણો, આરોગ્યની નીતિ ગણો કોઈપણ નીતિ ગણો, દરેક સમાજ માટે આપનું વર્ચસ્વ વધી રહ્યું છે. એટલે માલધારીઓને એવું લાગ્યું કે જે તરફ લોકોની નજર હોય, એ તરફ જ આપણે વળીએ અને ઈસુદાન ગઢવી પણ માલધારી સમાજ તરફથી આવે છે એટલે આ વખતે માલધારી સમાજ આમ આદમી પાર્ટી તરફ જવાનો છે.
મહત્ત્વનું છે કે ગુજરાતમાં વધારેમાં વધારે બેઠક હાંસલ કરવા માટે આમ આદમી પાર્ટી મથી રહી છે અને તેવામાં આપના નેતા ઈસુદાન ગઢવી દ્વારા માલધારીઓને જે બાંહેધરી આપવામાં આવી છે. તેની પર વિશ્વાસ રાખીને જો માલધારી સમાજ એક થઈને AAPને સાથે આપે તો ભાજપમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT