ભક્તિ રાજગોર/અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં AAPનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે. તેવા સમયે સંગઠનનો બહોળો અનુભવ ધરાવનાર અને સ્વચ્છ છબી વાળા વિજય રૂપાણીને રાજ્યમાં મહત્ત્વની જવાબદારી આપવાને બદલે તેમને પંજાબના પ્રભારી બનાવાયા છે. જેથી સૌરાષ્ટ્રની રાજનીતિના જાણકાર રાજકિય વિશેષજ્ઞો એવું કહી રહ્યા છે કે વિજય રૂપાણીને ગુજરાતથી દૂર કરીને ભાજપે તેમને સાઈડલાઈન કરી દીધા છે.
ADVERTISEMENT
ચૂંટણી ટાણે જ વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢની જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢ રાજ્યના પ્રભારી બનાવીને કેન્દ્રીય મોવડીમંડળે ગુજરાત ભાજપના પ્રદેશ એકમને ચોંકાવી દીધું છે. રાજ્યમાં પ્રચારની જવાબદારી વચ્ચે આ નિયુક્તિથી ભાજપના પ્રદેશ નેતાઓને આશ્ચર્ય થયું છે. ત્યારે હાલ તો સૌરાષ્ટ્રમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણી સમયે જ વિજય રૂપાણીને આવા રાજ્યની જવાબદારી સોપવામાં આવી છે. જ્યાં ભાજપની માત્ર બે જ સીટ છે.
ત્યારે એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી, આનંદીબેન પટેલની સરકારમાં વાહન વ્યવહાર મંત્રી, સૌરાષ્ટ્રના ભાજપના પ્રભારી અને રાજકોટ શહેરના પ્રમુખ તથા લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરનાર અને રાજનીતિનો બહોળો અનુભવ ધરાવનાર વ્યક્તિને અચાનક જ પંજાબ રાજ્યના પ્રભારી બનાવી સાઈડલાઈન કરી દેવાયા હોય તેવું હાલ સૌરાષ્ટ્રની રાજનીતિના જાણકાર અને રાજકિય વિશેષજ્ઞો કહી રહ્યા છે. કારણ કે થોડા સમય પહેલા જ જ્યારે રૂપાણી અંબાજીના દર્શનાર્થે ગયા હતા. ત્યારે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો પાર્ટી મને ટીકિટ આપે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું.
રૂપાણીએ ટિકિટ મળે તો ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી
વિજય રૂપાણીનું આ નિવેદન અનેક રીતે મહત્ત્વનું બની રહ્યું છે. કારણ કે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાર બાદ તેમને કોર કમિટિમાં સામેલ કરવામાં આવ્યા અને પછી હવે પંજાબના પ્રભારી બનાવાયા છે. પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ ઉપરાંત કોંગ્રેસની આ રાજ્યમાં કારમી હાર થઇ છે. આમ આદમી પાર્ટી શાસિત રાજ્યમાં વિજય રૂપાણી ભાજપને બેઠી કરવાનું કામ કરશે. તે ભાજપ માટે અને વિજય રૂપાણી માટે પણ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ બની રહેશે. વિજય રૂપાણીની સ્વચ્છ છબી રહી છે. અને લોકોમાં પણ સારી છાપને ધ્યાનમાં રાખીને હાઇકમાન્ડે તેમની પર ભરોસો મૂકી આ જવાબદારી તો સોંપી છે. ત્યારે રૂપાણી સામે પડકારો તો અનેક છે પરંતું શું તેને વિજયમાં ફેરવી શકશે તે પણ એક મોટો પ્રશ્ન છે.
ગુજરાતમાં રૂપાણીનો રોલ પૂરો?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢમાં પ્રભારી બનાવી ભાજપે સૌ કોઈને ચોંકાવી તો દીધા જ છે . કારણ કે રાજ્યમાં ચૂંટણી પ્રચારની જવાબદારી વચ્ચે વિજય રૂપાણીને ગુજરાત બહાર નિયુક્ત કર્યા છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ વખતે રાજકોટની બેઠક પર ભાજપ કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપીને ઉતારી શકે છે. જે બાબત ગુજરાતમાં રૂપાણીનો રોલ પૂરો થવાના સંકેત આપી રહી છે.
ADVERTISEMENT