અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. રાંધણ ગેસ, પેટ્રોલ, તેલ સહિત તમામ વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે. એવામાં ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા આજે મોંઘવારીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જોકે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે રીતે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કેમેરા સામે એક્ટિવ દેખાઈ રહી છે, તેટલી ગ્રાઉન્ડ પર છે ખરી?
ADVERTISEMENT
વિપક્ષમાં આવ્યા બાદ 2014 પહેલાની ભાજપ જેટલી એક્ટિવ છે કોંગ્રેસ?
2014 પહેલીની વાત કરીએ તો દેશમાં પેટ્રોલ કે રાંધણ ગેસમાં ભાવમાં નજીવો ઘટાડો થવા પર પણ ભાજપ દેશભરમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતું હતું. ભાજપના નેતાઓ પ્રજાના પ્રશ્નોને લઈને વારંવાર રસ્તા પર ઉતરતા અને કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા હતા. ભાજપ દ્વારા સૂત્ર ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર ભાજપ સરકાર’ જેવા સૂત્રો દ્વારા મોંઘવારીના મુદ્દાને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો વિપક્ષમાં હોવા છતાં પણ વારંવાર કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરાય છે, બંધનું એલાન કરાય છે, પરંતુ મોંઘવારી મુદ્દે તેઓ સરકારને ઘેરવામાં સતત નિષ્ફળ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે AAP દ્વારા પ્રજાનો પ્રશ્નો પર સતત સરકારને ઘેરવામાં આવી રહી છે.
ગુજરાતમાં પણ મોટા નેતાઓની નિષ્ક્રિયતા
ગુજરાતમાં પણ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 88 સીટો આવી હતી. વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક મુદ્દોએને ઉઠાવવા મુદ્દે નિષ્ક્રિયતા જોવા મળી. પરિણામે લોકોએ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. ત્યારે હવે આગામી 4 તારીખે કોંગ્રેસ દિલ્હીમાં મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ કરવાનું નક્કી કર્યું છે. એવામાં હવે જોવાનું રહેેશે કે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપી શકશે કે નહીં?
4 તારીખે દિલ્હીમાં મોંઘવારી મુદ્દે હલ્લાબોલ
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, આજે કોઈ સુખી નથી. નાના દુકાનદારો છે તે ઓનલાઈન ખરીદીમાં નવરા બેઠા છે. કારખાના વાળા બંધ છે. તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કોંગ્રેસે 4 તારીખે હલ્લાબોલ કરશે. આગામી 10 તારીખે કોંગ્રેસ પાર્ટીનું ગુજરાત બંધનું એલાન છે. સવારથી લઈને બે વાગ્યા સુધી રાજકોટની તમામ જનતાને મારી નમ્ર અપીલ છે કે બંધ પાળે.
ગુજરાતમાં પણ બંધનું એલાન
તેમણે ઉમેર્યું કે, મિડલ ક્લાસ મોદીના શાસનમાં ખતમ થઈ ગયો છે. તમે જાણો છો કે રાજકોટમાં તેલનો ભાવ થોડો વધે ત્યારે વજુભાઈ વાળા ડબા લઈને નીકળતા હતા. અમદાવાદમાં અશોક ભટ્ટ નીકળતા હતા. સ્મૃતિ ઈરાની ગેસનો બાટલો લઈને નીકળતા હતા. પૂછો બધાને ક્યાં છો? આજે તેલનો ભાવ 3000 રૂપિયાનો પાર કરી ગયો છે. એક દિવસ બંધ પાળીને આ સરકારને ભાન કરાવો કે હવે બહુ થયું, હવે જીવી શકાય તેવી સ્થિતિ નથી. આ મોંઘવારીનો ત્રાસ મિડલ ક્લાસને ખતમ કરી રહ્યો છે. ત્યારે તમામ જનતા આવતી 10 તારીખે સહકાર આપે તેવી વિનંતી કરું છું.
ADVERTISEMENT